News Continuous Bureau | Mumbai
Gujarat cattle welfare :
- “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર
- * કાયદાના અમલીકરણ માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે
- * આ કાયદા હેઠળ સીમેન સ્ટેશન, સીમેન બેંક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનાર સંસ્થાઓ, સેવાઓ આપનાર સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત થશે
- * સહાયિત પ્રજનન ટેક્નોલોજી સેવા આપનાર સંસ્થાઓ અને નિષ્ણાતોની પણ નોંધણી ફરજિયાત
- * કાયદા હેઠળ કૃત્રિમ તથા કુદરતી સંવર્ધન માટેના સાંઢ-પાડાની નોંધણી અને સઘન મોનીટરીંગ થશે
પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે.
દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી પશુપાલકોની આવક વધારવા રાજ્ય સરકારે પશુ સંવર્ધન, ઓલાદ સુધારણા અને કૃત્રિમ બીજદાન જેવા આયામો ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આ કાયદો અમલમાં આવતા પશુપાલકોને પોતાના પશુના સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કૃત્રિમ બીજદાનના ડોઝ મળવાથી પશુની આવનાર પેઢીની ગુણવત્તા જળવાઈ રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વિધેયક અંગે વિગતવાર માહિતી આપતા પશુપાલન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશુ સંવર્ધન થકી પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હવામાન પરિવર્તન અનુકૂલન ક્ષમતા વધારવા માટે અનેક વર્ષોથી રાજ્યના પશુપાલકો તેમના પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવી રહ્યા છે. પરંતુ કૃત્રિમ બીજદાન માટે ઉપયોગમાં લેવાતા પશુઓના વીર્યની ગુણવત્તાને નિયંત્રિત કરવા માટે હાલમાં કોઈ પર્યાપ્ત નિયમન અમલમાં ન હતું.
પરિણામે અજાણ્યા રોગ ધરાવતા તેમજ ઓછી ગુણવત્તાવાળા નર પશુઓના આડેધડ અને અંધાધૂંધ ઉપયોગ ઉપરાંત કૃત્રિમ બીજદાન ટેક્નિશિયન દ્વારા સીમેન સ્ટ્રોનો દુરુપયોગ એ પશુ સંવર્ધનની ગુણવત્તા માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો હતો. જેથી પશુસંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની વ્યવસ્થા ઉભી કરવાની અનિવાર્યતાના ધ્યાને લઈને આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫”ના અમલીકરણ માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે. આ નિયમન થકી રાજ્યમાં પશુ સંવર્ધન સાથે સંકળાયેલ સીમેન સ્ટેશન, સીમેન બેંક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનાર સંસ્થાઓ, સેવાઓ આપનાર સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત કરવામાં આવશે. સાથે જ, સહાયિત પ્રજનન ટેક્નોલોજી સેવા આપનાર સંસ્થાઓ અને નિષ્ણાતોની પણ નોંધણી ફરજિયાત કરવામાં આવશે.
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, આ કાયદામાં ગો-વંશ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિ અને પ્રક્રિયાનું નિયમન કરવા વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વીર્યના ઉત્પાદન, પ્રક્રિયા, સંગ્રહ, વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિઓ, પશુ સંવર્ધનમાં સાંઢ-પાડાનો ઉપયોગ, કૃત્રિમ ગર્ભાધાન અને તેની સાથે સંકળાયેલી આનુષંગિક તમામ બાબતોનું નિયમન કરીને ગો-વંશ અને અન્ય પશુઓની ઓલાદ સુધારણા માટેની બાબતોને આવરી લેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Animal husbandry Business : સુરતના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદિપભાઇ પટેલ, પશુપાલન થકી મહિને મેળવી રહ્યો છે રૂ.૩૦ હજારની આવક
કાયદાની જરૂરિયાત અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળ કૃત્રિમ ગર્ભાધાન તથા કુદરતી સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતા સાંઢ કે પાડાની પણ નોંધણી કરવામાં આવશે. જેથી પશુ સંવર્ધન માટે ઉપયોગ થતા આવા સાંઢ-પાડાનું સઘન મોનીટરીંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત આનુવંશિક અને જાતીય રોગો ધરાવવા સાંઢ-પાડા દ્વારા સંવર્ધન પર પ્રતિબંધ લગાવીને પશુઓમાં આવા રોગોનો ફેલાવો અટકાવી શકાશે.
આ કાયદાના અમલથી ગો-વંશના સંવર્ધન માટે ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતા સાંઢ-પાડા ઉપલબ્ધ થશે. રાજ્યમાં ફ્રોજન સીમેન સ્ટેશન અને સીમેન બેંકના નિયંત્રણથી પશુપાલકોને ઉત્તમ ગુણવત્તાની ખાતરીવાળા સીમેન ડોઝ ઉપલબ્ધ થશે. સાથે જ, ગુણવત્તાયુક્ત કૃત્રિમ બીજદાન સેવાઓ પશુપાલકના ઘરઆંગણે ઉપલબ્ધ કરાવી શકાશે. જેના પરિણામે પશુઓમાં વ્યંધત્વનું પ્રમાણ ઘટશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ કાયદાના અમલીકરણથી IVF, એમ્બ્રીયો ટ્રાન્સફર અને સેક્સ્ડ સીમેન ટેક્નોલોજી જેવી પશુસંવર્ધન માટેની અદ્યતન ટેક્નોલોજીના વધુ કાર્યક્ષમ ઉપયોગથી રાજ્યના દૂધાળા પશુઓમાં ઓલાદ સુધારણા ઝડપી શક્ય બનશે. પશુ સંવર્ધનને લગતી તમામ બાબતોને કાયદા હેઠળ આવરી લેવાથી રાજ્યના પશુઓ અને પશુપાલકોને પશુ સંવર્ધનની વૈશ્વિક કક્ષાની સેવાઓ ઉપલબ્ધ થશે. સાથે જ પશુઓની ઉત્પાદકતામાં વધારો થતા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ પણ ચોક્કસ રીતે વધશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ વિધેયકની ચર્ચામાં સહભાગી થઈ ધારાસભ્ય સર્વ શ્રી ડી. કે. સ્વામી, શ્રી અમિત ચાવડા, શ્રી કિરીટભાઈ પટેલ તેમજ શ્રી ઉમેશ મકવાણાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચના અંતે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.