News Continuous Bureau | Mumbai
Gurukul Kurukshetra : ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન આજે ગુરુકુલ કુરુક્ષેત્ર ખાતે સંપન્ન થયું હતું. અધિવેશનના મુખ્ય અતિથિ, ગુજરાતના રાજ્યપાલ અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના ઉપદેશકોને સંબોધતાં કહ્યું કે, હવે તેઓ પ્રાકૃતિક ખેતીને પણ પોતાનું ‘મિશન’ બનાવો અને હિન્દી આંદોલન તથા ગૌરક્ષા આંદોલનની જેમ જન-જન સુધી પહોંચાડો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આર્ય સમાજે હંમેશાં સમાજમાંથી કુરિવાજો, પાખંડ, અંધશ્રદ્ધા અને છુત-અછૂત જેવી સામાજિક બદીઓને દૂર કરી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે એવી જ જાગૃતિ ખેતી ક્ષેત્રે લાવવાની જરૂર છે, કારણ કે રાસાયણિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઈડ્સથી ભૂમિ, પાણી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય બધું જ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. આ સંકટનો એકમાત્ર ઉકેલ છે – પ્રાકૃતિક ખેતી.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે નાનાં નાનાં બાળકોને પણ કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થવા લાગી છે. વૈજ્ઞાનિક અભ્યાસમાં માતાના દુધમાં પણ યુરિયાની પુષ્ટિ થઈ છે. દરેક ઘરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓના દર્દીઓ છે અને તેનું મુખ્ય કારણ છે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતો આહાર. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ચેતવણી આપી છે કે, આવતા ૧૦થી ૧૫ વર્ષોમાં ભારતમાં કેન્સર વિસ્ફોટ થઈ શકે છે. આવા સમયમાં માનવ કલ્યાણ અને પ્રકૃતિના રક્ષણ માટે દેશે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત આવશ્યક છે.

તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના પૂર્વે ‘ગૌકૃષિ આદિ રક્ષિણી સભા’ની સ્થાપનાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ હતો કે ગૌમાતાનું રક્ષણ થાય અને લોકો સુધી શુદ્ધ-સાત્વિક અન્ન પહોંચે. પરંતુ આજની રાસાયણિક ખેતીમાં ગૌવંશની ભૂમિકા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે, જેના કારણે ગૌવંશ રસ્તાઓ પર દુર્ઘટનાનું કારણ બની રહ્યા છે. આપણે વધુ ઉત્પાદનની લાલચમાં યુરિયા, પેસ્ટિસાઈડ અને ડીએપીનો ઉપયોગ કરી ભૂમિને વેરાન અને ભૂગર્ભ જળને દૂષિત બનાવી દીધું છે.

પોતાના સંબોધનમાં તેમણે પ્રાકૃતિક, રાસાયણિક અને જૈવિક ખેતી વચ્ચેનો મૂળભૂત તફાવત વિગતવાર સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ગૌમાતાનું રક્ષણ થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, પર્યાવરણ સુધરશે અને જમીનની ઉપજ શક્તિમાં વધારો થશે. સાથે જ લોકો સુધી શુદ્ધ અનાજ પહોંચશે, જેનાથી તેઓ સ્વસ્થ અને નીરોગી રહેશે અને ખેડૂતોને પાકનું બમણું મૂલ્ય મળશે, જેનાથી તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બનશે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી
આ અવસરે પરિષદના પ્રમુખ શ્રી સહદેવસિંહ બેધડક, ઉપપ્રમુખ પંડિત યોગેશ દત્ત, મહામંત્રી કૈલાશ કર્મઠ, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી વિનય આર્ય, ગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગ, રાજ્યપાલના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર તેમજ દેશના વિવિધ ભાગોમાંથી પધારેલા અનેક આર્ય વિદ્વાનો, ઉપદેશકો અને ભજનોપદેશકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં પરિષદના તમામ સભ્યોએ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ગુરુકુલના પ્રાકૃતિક કૃષિ ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ ઉદાહરણોથી પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યક્ષ નિહાળ્યા હતા. તમામ ઉપસ્થિતોએ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક કૃષિને સમાજમાં ક્રાંતિ લાવવાનું શક્તિશાળી સાધન ગણાવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ગુરુકુલ વ્યવસ્થાપક સમિતિ દ્વારા આર્ય સમાજના વરિષ્ઠ ભજનોપદેશકોને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુરુકુલના પ્રમુખ શ્રી રાજકુમાર ગર્ગ દ્વારા શ્રી ધનિરામ બેધડક, માસ્ટર હરિસિંહ, બીરસિંહ આર્ય, અમરસિંહ, પંડિત સીતારામ તથા શ્રીમતી સંતોશબાલા આર્યાને શૉલ, શ્રીફળ તથા ₹૧૧,૦૦૦ની રકમ આપીને તેમની સેવા અને યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.
અધિવેશનમાં ઉપસ્થિત તમામ વિદ્વાનો અને ઉપદેશકો એ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંદેશને હૃદયપૂર્વક આવકારીને સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ અભિયાનને ગતિ આપવાનો સંકલ્પ લીધો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.