ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
હંમેશા વિવાદાસ્પદ નિવેદન કરનારી ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે ફરી એક વખત વિવાદાસ્પદ કરીને ફરી ચર્ચાએ ચઢી છે. દેશને 1947ની સાલમાં મળેલી સ્વતંત્રતા બાબતે કંગનાએ તેણે કરેલા બફાટને પગલે તેની ભારે ટીકા થઈ રહી છે. ટાઈમ્સ નાઉ સમિટ 2021ના કાર્યક્રમમાં બોલતા સમયે તેણે કહ્યું હતું કે, “સ્વાતંત્ર્ય જો ભીખમાં મળે તો તે સ્વાતંત્ર કેવી રીતે હોય? 1947માં મળેલી સ્વતંત્રતા એ ભીખ હતી. ખરી સ્વતંત્રતા તો 2014માં મળી છે.”
આ કાર્યક્રમમાં કંગનાએ કહ્યું હતું કે સાવરકર, રાણી લક્ષ્મીબાઈ, નેતા સુભાષચંદ્ર બોઝને ખબર હતી કે લોહી વહેવાનું છે. તેઓએ સ્વતંત્રતા ની કિંમત ચૂકવી હતી પરંતુ તે સ્વતંત્રતા નહોતી પણ ભીખ હતી. તેના આવા વિવાદાસ્પદ નિવેદન પર કાર્યક્રમની સંચાલિકાએ તેને એક સંબંધિત પક્ષનું તે સમર્થન કરી રહી હોવા સંદર્ભમાં સવાલ કર્યો હતો, ત્યારે કંગનાએ સામે જવાબમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે તેની આવી ટીકા પર હવે આગામી દિવસ તેના પર વધુ 10 ગુના દાખલ થવાના છે.
કંગનાના વિવાદાસ્પદ નિવેદનની જોકે ભારે ટીકા થઈ રહી છે, જેમાં અમુક બોલીવુડના કલાકારોએ પણ તેની આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. તો યુવક કોંગ્રેસે પણ તેની ટીકા કરતા કહ્યું હતું કે આવા લોકોને પદ્મશ્રી આપનારાઓને મોદીએ જવાબ આપવો કે અમે બલિદાન આપીને મળેલી સ્વતંત્રતાના 75 વર્ષ ઊજવી રહ્યા છે, કે પછી તમારા ભક્તોના મતે ભીખ માગીને મળેલી સ્વતંત્રતા?