ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં વખતોવખત મહાવિકાસ આઘાડી સરકારમાં રહેલા મતભેદો બહાર આવ્યા છે. મુંબઈ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અગ્રણી નેતા સંજય નિરુપમે અનેક વખત મહાવિકાસ આઘાડી સરકારના નિર્ણયોની ટીકા કરી છે. હવે ફરી એક વખત સરકારના અનલૉકના નિર્ણયની તેમણે ટીકા કરી છે. મુંબઈમાં અનલૉક જાહેર કર્યા બાદ,પણ સામાન્ય નાગરિકોને થઈ રહેલી તકલીફ સામે તેમણે આંગળી ચીંધી છે. સરકારે અનલૉક હેઠળ દુકાનો તથા ઑફિસો ખોલવાની શરતી મંજૂરી આપી છે. જોકે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી નથી. બસની સંખ્યા ઓછી હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે, તો સામાન્ય નાગરિકો ઑફિસ કેવી રીતે જશે? એવો સવાલ મહાવિકાસ આઘાડી સરકારને સંજય નિરુપમે કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે સંજય નિરુપમે વારંવાર મહાવિકાસ આઘાડીના નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી છે, પણ સાથે જ મુંબઈ કૉન્ગ્રેસની કામ કરવાની પદ્ધતિ સામે પણ તેમણે અનેક વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.