News Continuous Bureau | Mumbai
- રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને ઉત્તમ ઉત્પાદન મેળવવા મકાઈના બીજને બીજામૃત્તથી સંસ્કારિત કરવા જરૂરી
Natural farming methods: રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી, ધાન્ય અને ફળોના વાવેતરના ઉત્તમ પરિણામો મળે છે, ત્યારે આજે વાત કરીશું મકાઇની પ્રાકૃતિક ખેતી વિશે જે શ્રેષ્ઠ ઉત્પાદન આપે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મકાઇના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર જોઈએ. મકાઈના વાવેતર સમય, અંતર અને જાતોની પસંદગી: મકાઈની ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા સફેદ-૨ જેવી સુધારેલી જાતોની વાવણી ૧૫ જૂન થી ૧૫ જુલાઈ દરમિયાન ૯૦ x ૨૦ સેન્ટીમીટરના અંતરે અને ૨૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો દર રાખી વાવેતર કરવું
બીજ સંસ્કાર અને ઘન જીવામૃત: સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા મકાઈનાં બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે ૧૦0 કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટવું, રાસાયણિક ખેતીમાથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો. પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.
જીવામૃતનો જમીનમાં ઉપયોગ: વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યાર બાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું.
આ સમાચાર પણ વાંચો : Jaypur Division: જયપુર ડિવિઝનમાં આ કારણથી કેટલીક ટ્રેનો થઇ રદ, પરિવર્તિત માર્ગથી ચાલશે ટ્રેન, જુઓ ટાઈમટેબલ
Natural farming methods: જીવામૃતનો પાક ઉપર છંટકાવ: પ્રથમ છંટકાવ:-વાવેતરના એક મહિના પછી ૫ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
બીજો છંટકાવ:- પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો. ત્રીજો છંટકાવ:- બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો ચોથો છંટકાવ:- ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો પાંચમો છંટકાવ:-ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો
આંતરપાક પધ્ધતિ: વિસ્તારને અનુરૂપ મકાઈ-તુવેર ૧:૧ અથવા મકાઈ-દિવેલા ૨:૨ અથવા મકાઈ-મગફળી ૨:૨ના આંતરપાક લેવા.
• રોગ-જીવાત –
(ક) ચૂસીયા પ્રકારની જીવાત : ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો.
(ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે : ૨૦ મિલી લીમડાનું તેલ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો.
(ગ) કૃમિ (સુંડી) : ૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો.
(ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે : ૩ લીટર અગ્નિઅસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો.
(ચ) ફૂગના રોગ: ફૂગ અને વાયરસ ધ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

