ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020
શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તંત્ર દ્વારા સતત ટેસ્ટિંગ કરવામાં આવી રહયાં છે. દરેક ટોલનાકા પાર અને અન્ય જાહેર સ્થળોએ સતત કોરોનાની ટીમ ફરી રહી છે. આ દરમિયાન વલસાડમાં લગ્ન કરવા જઈ રહેલી કન્યાને કોરોનાના કારણે સાસરીની જગ્યાએ ક્વોરન્ટાઈન થવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શુક્રવારે વલસાડના મોટા બજારમાં રહેતી એક યુવતીના લગ્ન મુંબઈના યુવક સાથે લેવાતા હતા. પોતાના લગ્ન માટે યુવતી 10 નવેમ્બરે મુંબઈ ખરીદી કરવા પણ ગઇ હતી. અન્ય રાજ્યની વીઝીટ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે કોરોના ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. જેમાં કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હેલ્થ વિભાગની ટીમે લગ્ન કરવા જઈ રહેલી યુવતીનો RT-PCR ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ નીકળી હતી. જે બાદ કોરોના પોઝિટિવ કન્યાને લગ્નના મંડપમાંથી તેના પિતાના ઘરે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી હતી. જો કે પ્રસંગને પૂરો કરી લેવાયો હતો.. જોકે, હાલ આ કિસ્સો વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
