ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 જાન્યુઆરી 2021
આજકાલ સમયાંતરે ઘણી બેંકો ચર્ચામાં આવી છે. જેમાં યસ બેન્ક ફરી વિવાદમાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત સ્થિત બેન્ક ખાતે ગ્રાહક સૂવાના ગાદલા, ધાબળા લઈને પહોંચી ગયાં હતાં.
સામાન્ય રીતે બેંકમાં ગ્રાહકો પૈસાની આપ-લે કરવા માટે જતાં હોય છે. પરંતુ બેંકના અણઘડ વહીવટથી કંટાળી ગયેલ ગ્રાહક સૂવા માટેના ગાદલા, ગોદડા લઈને બેંકમાં પહોંચ્યા હતા.
આ કિસ્સા અંગે વાતચીતમાં ગ્રાહકે જણાવ્યું કે, અમારી પેઢીનું ખાતું યસ બેન્કમાં છે. ત્યારે બેંકને જે પણ ડોક્યુમેન્ટ અમારી પેઢીને લગતા જોઇતા હતા. તે ડોક્યુમેન્ટ 26 ડિસેમ્બર 2020ના રોજ સબમીટ કરી દીધા હતા. તેમ છતાં ડોક્યુમેન્ટ સબમીટ ન કરવા બદલ બેંક દ્વારા 31 ડિસેમ્બર 2020ના રોજ અમારા પેઢીના એકાઉન્ટમાંથી 1,62,000 રૂપિયા જેટલી રકમ પેનલ્ટી સ્વરૂપે પુછયા વગર કાપી લેવામાં આવી.
લાખો રૂપિયાની રકમ પેનલ્ટી સ્વરૂપે કપાતાં પહેલી જાન્યુઆરી 2021ના રોજ અમારી પેઢી દ્વારા બેંકને જાણ કરવામાં આવી. ત્યારે ગણતરીની જ મિનિટોમાં બેંક દ્વારા પોતાની ભૂલ કબૂલ પણ લેવામાં આવી હતી. બેંક દ્વારા અમને સાંજ સુધીમાં પૈસા ખાતામાં જમા મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા છ દિવસથી બેંક દ્વારા અમારા ખાતામાં રકમ પરત આપવામાં નથી આવી.
જેના કારણે અમારે રોજ બેંકનાં ધક્કા થઇ રહ્યા છે. આથી આખરે કંટાળીને અમારે તમારા કર્મચારીઓ સાથે યસ બેંક ખાતે સૂવાના ગાદલા તેમજ ઓઢવાના ધાબડા લઈને આવવું પડ્યું છે. સમગ્ર મામલે બેંકના નેશનલ ઉચ્ચ અધિકારીઓએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.