ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
બુધવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારથી ગુજરાતમાં હતા, જ્યાં તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે તાઉતે તોફાનથી પ્રભાવિત ક્ષેત્રનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. એ બાદ તેમણે ગુજરાત માટે ૧,૦૦૦ કરોડના પૅકેજની જાહેરાત કરી હતી.
તોફાનના કારણે મૃત્ય પામેલી વ્યક્તિના પરિજનોને સહાયરૂપે બે લાખ રૂપિયા આપવામાં આવશે તેમ જ વાવાઝોડામાં ઘાયલ થયેલી વ્યક્તિને ૫૦,૦૦૦ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. ભારતીય વાયુસેનાના એક હેલિકૉપ્ટરમાં બે કલાકના સર્વે બાદ વડા પ્રધાને ગુજરાતના મુખ્ય પ્રધાન અને રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક બિલ્ડિંગમાં સમીક્ષા બેઠક કરી હતી. તાઉતેને કારણે થયેલા નુકસાનની પ્રાથમિક આકારણી બાદ વડા પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. નુકસાનની આકારણી, પુનર્સ્થાપના અને રાહતકાર્યની વિગતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બેઠક બાદ વડા પ્રધાને ગુજરાતમાં તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ માટે ૧,૦૦૦ કરોડની મદદ આપવાની ઘોષણા કરી હતી. કેન્દ્ર સરકાર રાજ્યની મુલાકાત માટે એક આંતર-મંત્રાલય ટીમ તહેનાત કરશે, જેથી નુકસાનની કક્ષાનું મૂલ્યાંકન થઈ શકે.