News Continuous Bureau | Mumbai
CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માનવજીવન સુરક્ષાને ( human life safety ) સૌથી પહેલી પ્રાયોરિટી આપવા સ્પષ્ટ તાકીદ કરી છે. માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસની આપણી તેજ રફ્તારમાં વિકાસ જેના માટે છે એ માનવીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના ( Gandhinagar ) મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાતની મહાનગરપાલિકાઓ ( Gujarat Municipalities ) અને નગરપાલિકાઓને વિકાસ કામો માટેની ગ્રાન્ટના કુલ ૨૧૧૧ કરોડ રૂપિયાના ચેક વિતરણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં, ક્યાંક કોઈ કચાશ કે ઢીલાશ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓ-અધિકારીઓને આહવાન કરતાં તેમણે કહ્યું કે, વિકાસ કામોની ( Development works ) ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ સાથે બેસીને થાય તે જરૂરી છે.
એટલું જ નહીં, પ્રજાજનોની નાની-નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ( Narendra Modi ) સુશાસનમાં રહી જ નથી તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ સારાં કામ કરે છે તેને વધુ વિકાસ કામો માટે લોકહિત કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા પણ રાજ્ય સરકાર તૈયાર છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રને આગળ ધપાવવાની પ્રેરણા આપતા ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ રોજિંદા જનજીવનમાં આપેલા મિશન લાઇફના આપેલા વિચારને સાકાર કરવા માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ નગરોમાં કરવું જરૂરી છે. તેમણે પર્યાવરણ અનુકૂલન વિકાસ સાથે સર્વગ્રાહી વિકાસ દ્વારા ગુજરાતને વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસર રાખવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ગુજરાતને ( Gujarat ) દેશનું સૌથી અર્બનાઇઝ્ડ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, દેશમાં વધી રહેલા શહેરીકરણને ધ્યાને લઇને ગુજરાતના શહેરોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા ૨૦૦૯-૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના શહેરોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૩૮,૦૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.
આ સમાચાર પણ વાંચો: G-7 Summit 2024: અરે વાહ… ઈટાલીમાં પણ ભારતીય સંસ્કૃતિ, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા; જુઓ વિડિયો
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં ગુજરાતના વિકસિત શહેરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતના વિવિધ શહેરોમાં આગવી ઓળખના વિવિધ કામો માટે રૂ. ૨૫,૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે પૈકીના ૯૦ ટકા કામો પૂર્ણ થયા છે. જ્યારે, રોડ રિસર્ફેસિંગના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કામોના ૯૫ ટકા કામો પૂર્ણ થયા છે.
તેમણે કહ્યું કે, શહેરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસના ૭૬ ટકા કામો પૂર્ણ થયા છે. અમૃત યોજના અંતર્ગત રૂ. ૫૧૬૭ કરોડના ૪૫૨ કામો પૈકી ૯૦ ટકા કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના ૬ શહેરોના વિકાસ માટે રૂ. ૧૧,૬૫૦ કરોડના ૩૫૭ કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે ૯૦ ટકા પૂર્ણ થયા છે.
ગુજરાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ૮.૫૭ લાખ આવાસોના કામ પૂર્ણ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, ગુજરાતને આ માટે રાષ્ટ્રીય કક્ષાના વિવિધ ૬ એવોર્ડ પણ મળ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ વેસ્ટ પાણીને રિસાઈકલ કરી, રાજ્ય સરકાર વાર્ષિક રૂ. ૧,૦૦૦ કરોડની આવક મેળવી રહી છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની અંદાજે ૫૦ ટકા જેટલી વસ્તી જ્યારે શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે નાગરિકોને પાયાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસ કાર્યો માટે છેલ્લા એક વર્ષમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે કુલ રૂ.૫,૭૦૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
૨૦ વર્ષ અગાઉ શહેરોના વિકાસ માટે લગભગ રૂ.૨૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું જ્યારે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરોના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ.૨૧,૬૫૪ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, શહેરી વિકાસ વિભાગના બજેટમાં ૧૦૦ ટકા જેટલો વધારો કર્યો છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
આ સમારોહ દરમિયાન શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સી.ઇ.ઓ શ્રી બી. બી. વહોનીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેક અર્પણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૬૭૩ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. ૫૧૬ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧૮૮ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૪૮ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ. ૬૯ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. ૬૬ કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૩૪ કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૩૫ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: G-7 Summit 2024: અરે વાહ… ઈટાલીમાં પણ ભારતીય સંસ્કૃતિ, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા; જુઓ વિડિયો
આ ઉપરાંત રાજ્યની ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૪ કરોડ, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ૩ કરોડ, ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૨.૨૫ કરોડ અને ‘ડ’ વર્ગની ૪૫ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧.૫ કરોડ એમ કુલ રૂ. ૩૮૨ કરોડ સહિત સમગ્રતયા રૂ. ૨,૧૧૧ કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ થયા હતા.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સહિત રાજ્યની વિવિધ મહાનગરપાલિકાના મેયરશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રીઓ,નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, કમિશનરશ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલ, હાઉસિંગ બોર્ડના સચિવ શ્રી આર. જી. ગોહિલ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત પદાધિકારી- અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.