ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાકાળ વચ્ચે ગુજરાત સરકારના એક અધિકારીએ દાવો કર્યો છે કે તે વિષ્ણુનો દસમો અવતાર કલ્કી છે અને તે ઑફિસ જઈ શકશે નહીં, કારણ કે તે ‘વૈશ્વિક અંતરાત્માને બદલવા’ માટે ‘તપશ્ચર્યા’ કરી રહ્યા છે. તેમની તપશ્ચર્યાને કારણે, દેશમાં સારો વરસાદ પડી રહ્યો છે.
હકીકતે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી (એસએસપીએ)માં અધીક્ષક ઇજનેર તરીકે કાર્યરત રમેશચંદ્ર ફેફર છેલ્લા આઠ મહિના દરમિયાન તેમની વડોદરાસ્થિત ઑફિસમાં માત્ર ૧૬ જ દિવસ હાજર રહ્યા હતા. ત્યાર બાદ સંસ્થાએ તેમને શો-કોઝ નોટિસ ફટકારી હતી જેમાં લખ્યું હતું કે "આવી અનધિકૃત ગેરહાજરી ગેઝેટેડ અધિકારીઓને અનુકૂળ નથી. તમારી ગેરહાજરીને કારણે એજન્સીનું કામ અવરોધાય છે."
ઉલ્લેખનીય છે કે આ નોટિસ અને તેનો જવાબ વાયરલ થઈ ગયો હતો. ઉપરાંત તેમણે પોતાના રાજકોટ સ્થિત ઘરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "જો તમે વિશ્વાસ ન કરો તો પણ, હું ખરેખર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને આગામી દિવસોમાં હું એ સાબિત કરીશ. હું માર્ચ ૨૦૧૦માં મારી ઑફિસમાં હતો ત્યારે મને જણાયું કે હું કલ્કીનો અવતાર છું, ત્યારથી મારી પાસે દિવ્ય શક્તિઓ છે.”