News Continuous Bureau | Mumbai
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
- સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે
- રાજ્ય સરકારને સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રીતિ-રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Uniform Civil Code: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરાશે. તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ. શ્રી સી.એલ. મીના, એડવોકેટ શ્રી આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ નિર્ણયની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પદચિન્હો પર ચાલતા ગુજરાતે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે. આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર ‘જે કહેવું તે કરવું’ના કાર્ય મંત્રને અનુસરે છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, 370 કલમ નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારીશક્તિ વંદના અધિનિયમ અને ત્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો: power supply: ગુજરાતનો વીજ પુરવઠો 2020-24 વચ્ચે 28% વધ્યો, ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં આટલા GW સુધી પહોંચશે
Uniform Civil Code: શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, એ જ દિશામાં આગળ વધતાં વડાપ્રધાનશ્રી સમાન નાગરિક ધારાના અમલ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પોને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈપણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય તેવી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સમાન નાગરિક ધારાના અમલની નેમ સાથે આગળ વધશે તેમ જણાવ્યું હતું. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, કાયદા સચિવ શ્રી રાવલ, સંસદીય બાબતોના સચિવ શ્રી ગોઠી , વૈધાનિક બાબતો ના સચિવશ્રી કમલેશ લાલા વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed