News Continuous Bureau | Mumbai
Veer Narmad University :
- વલસાડના અતુલના ૨૩ વર્ષીય જન્નતનશીન નકીબ રઝા ઈમ્તિયાઝ શેખની પદવી ભારે હૈયે તેના પિતા ઈમ્તિયાઝભાઈ શેખે સ્વીકારી
- નકીબે બી.એસ.સી.(ફિઝીક્સ)માં સૌથી વધુ ૧૦ માંથી ૯.૦૪ સી.જી.પી.એ. અંકો મેળવ્યા
- નકીબ શેખનું ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ રોડ અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું હતું
નર્મદ યુનિ.ના ૫૬મા પદવીદાન સમારોહમાં આંખો ભીની કરી દે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ગત સપ્ટેમ્બર માસમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વલસાડ જિલ્લાના અતુલના ૨૩ વર્ષીય જન્નતનશીન શેખ નકીબ રઝા ઈમ્તિયાઝની પદવી ભારે હૈયે તેના પિતા ઈમ્તિયાઝભાઈ શેખે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વીકારી હતી. નકીબે બી.એસ.સી.(ફિઝીક્સ)માં સૌથી વધુ ૧૦ માંથી ૯.૦૪ સી.જી.પી.એ. અંકો મેળવ્યા હતા.
વલસાડના અતુલના પારનેરાના વતની ઈમ્તિયાઝભાઈના એકના એક પુત્ર નકીબ શેખનું ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ માર્ગ અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. નકીબ વલસાડની બી.કે.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી.(ફિઝીક્સ)નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હોનહાર અને તેજસ્વી એવો આ વિદ્યાર્થી અભ્યાસ સહિત સ્પોર્ટ્સ, ડ્રોઈંગ જેવી અનેક સ્પર્ધાઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉજ્જવળ દેખાવ કરતો હતો. તેણે શાળા તેમજ કોલેજ અભ્યાસ દરમિયાન અનેકવિધ મેડલ્સ જીત્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત
પિતા ઈમ્તિયાઝભાઈ વડાપાઉંની લારી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર પી.એચ.ડી. કરવા ઈચ્છતો હતો, પરંતુ કુદરતને કંઇક ઓર જ મંજૂર હતું. તેના સ્વપ્ના અધૂરા રહી ગયા. અમારા લાડકવાયા પુત્રની અંતિમ નિશાની સમાન પદવી સ્વીકારી છે, જે મારા જીવનની દુ:ખદાયી ક્ષણ બની હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.