News Continuous Bureau | Mumbai
Emmanuel Macron વૈશ્વિક રાજકારણમાં અત્યારે મોટા સમીકરણો બદલાઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની 31 સહિત કુલ 66 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી અમેરિકાને અલગ કરવાનો આદેશ આપતા યુરોપના દેશોમાં હલચલ મચી છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતને ‘મલ્ટિલેટરલિઝમ’ (બહુપક્ષવાદ) અને ‘ઈનોવેશન’નું કેન્દ્ર ગણાવીને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે.
ભારતની ‘મલ્ટિલેટરલિઝમ’ નીતિના વખાણ
ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, “ગયા વર્ષે જ્યારે અમે AI પર સમિટ યોજી હતી, ત્યારે વડાપ્રધાન મોદી પણ તેમાં સામેલ હતા. અમે ભારત સાથે મળીને એવા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં સફળ રહ્યા છીએ જે નિષ્પક્ષ નિયમો અને ઈનોવેશન પર આધારિત છે. ભારત મલ્ટિલેટરલિઝમનો મજબૂત પાયો છે.”
ફેબ્રુઆરીમાં મેક્રોન આવશે ભારત
મેક્રોને જાહેરાત કરી છે કે તેઓ આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી 2026 માં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને રેર અર્થ મિનરલ્સ ના ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે મોટો સહયોગ થવાની અપેક્ષા છે, જે ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.
નેરોબી સમિટ માટે PM મોદીને આમંત્રણ
ફ્રાન્સ દ્વારા આગામી સમયમાં નેરોબી સમિટ નું આયોજન કરવામાં આવનાર છે. મેક્રોને જણાવ્યું કે તેમણે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સલરને આ સમિટમાં જોડાવા માટે વ્યક્તિગત આમંત્રણ આપ્યું છે. આ સમિટ દ્વારા તેઓ એન્ટરપ્રેન્યોરશિપ (ઉદ્યોગસાહસિકતા) ના નવા મોડલને વિશ્વ સમક્ષ રજૂ કરવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : Iran Anti-Regime Protests 2026: ઈરાનમાં લોહિયાળ જંગ: 39 ના મોત અને ઈન્ટરનેટ ઠપ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
ટ્રમ્પથી કેમ નારાજ છે ફ્રાન્સ?
ટ્રમ્પે તાજેતરમાં જે રીતે અમેરિકાને વૈશ્વિક સંસ્થાઓથી અલગ કરવાનું શરૂ કર્યું છે, તેનાથી મેક્રોન અસહજ છે. મેક્રોન માને છે કે ટ્રમ્પની નીતિઓ વૈશ્વિક વ્યવસ્થાને જોખમમાં મૂકી રહી છે, જ્યારે ભારત જેવો દેશ સંવાદ અને સહયોગમાં માને છે. આ જ કારણ છે કે હવે ફ્રાન્સ અમેરિકાને બદલે ભારતને નવા આર્થિક અને વ્યૂહાત્મક ધરી તરીકે જોઈ રહ્યું છે.