ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
કોરોનાની વેક્સિનનો બંને ડોઝ લેનારાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે રેલવે દ્વારા મુંબઈગરાનો પ્રવાસ વધુ સુવિધાજનક બનવાનો છે. આજે મુંબઈના વેસ્ટર્ન રેલવેના ડિવિઝન સહિત સેન્ટ્રલ રેલવેમાં જુદી જુદી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવવાનું છે. જેમા ફરેરે રોડ ઓવર બ્રિજ ખુલ્લો મુકવાની સાથે જ ઈન્ટીગ્રેટેડ સર્વિલેન્સ સિસ્ટમ (ISS), મુબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અત્યાધુનિક “POD” સંકલ્પના આધારિત રિટાયરિંગ રૂમને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
દેશના રેલ, કોલસાના રાજયમંત્રી રાવસાહેબ દાનવેના હસ્તે આ સુવિધાઓનું ઉદ્ઘાટન આજે સવારે કરવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ પર એરકંડિશનર વેઇટિંગ રૂમ, અંબરનાથ અને કોપર સ્ટેશન પર હોમ પ્લેટફોર્મ, મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર કોચ રેસ્ટોરન્ટ અને એક્ઝિક્યુટીવ વેઈટિંગ હોલની સાથે જ મુંબઈ ઉપનગરના જુદા જુદા સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, લિફ્ટ, શૌચાલય પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. એ સિવાય ચર્ચગેટ સ્ટેશન પર પ્રવાસીઓને ફરિયાદ કરવા માટે ખાસ ઓફિસ પણ ખુલ્લી મુકવામાં આવી છે.
ફરેરે રોડ ઓવરબ્રિજ ચર્ચગેટ-વિરાર ખંડના ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશન વચ્ચે આવેલો છે. જેનું બાંધકામ 1921માં થયું હતું. સપ્ટેમ્બર 2019માં તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ થયા બાદ આઈઆઈટી બોમ્બે તેના ગર્ડરોનું સમારકામ કરવા કહ્યું હતું. અસ્તિત્વમાં રહેલા પુલને જાન્યુઆરી 2020માં તોડવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. 23 માર્ચ 2020ના કોવિડને પગલે લોકડાઉન લાગુ થયું હતું. આ દરમિયાન વેસ્ટર્ન રેલવેએ આ કામ 18.65 કરોડના ખર્ચે પૂરું કર્યું હતું.
ISS મુંબઈ વિસ્તારમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે સુરક્ષિત યાત્રા પૂરી પાડશે. જેમાં વેસ્ટર્ન રેલવે દ્વારા 66.05 કરોડ રૂપિયાના ખર્ચે ચર્ચગેટથી વિરાર વચ્ચેના 30 સ્ટેશનો પર 2029 ફુલ એચડી ફિક્સડ, 179 ફુલ એચડી પીટીજેડ અને 521 ફુલ એચડીવાળા કેમેરા સહિત કુલ 2729 કેમેરા ઉપનગરીય ખંડને કવર કરતા બેસાડયા છે. આ કેમેરા ભીડમાં પણ ચહેરો ઓળખવું, ટ્રેસ પાસિંગ કંટ્રોલ વગેરે માટે મહત્વના સાબિત થશે.
મુંબઈ સેન્ટ્રલ પર પોડ સંકલ્પના આધારિત રિટાયરિંગ રૂમ બનાવવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ સુવિધા હશે. મુંબઈ સેન્ટ્રલ પર જ વેઈટિંગ હોલને વધુ અત્યાધુનિક સગવડ સાથે બનાવવામાં આવ્યો છે. જેમાં એરકંડિશનડ, કુશનવાલા સોફા, મહિલા, પુરુષ માટે અલગ અલગ શૌચાલય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ચા અને નાસ્તા વગેરેની સગવડ હશે.
રેલવેએ 29.07 કરોડ રૂપિયાના ખર્ચે માહિમ(ઉત્તર), બાંદરા(દક્ષિણ), બાંદરા અને ખાર, ખાર, સાંતાક્રુઝ વચ્ચે 5 ફૂટ ઓવરબ્રિજ બાંધ્યા છે. તેથી ટ્રેસ પાસિંગ ને નિયંત્રણમાં લાવી શકાશે. વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી અને વિરારમાં એક-એક એસ્કેલટેર 4.60 કરોડ રૂપિયાના ખર્ચે બાંધ્યા છે. સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 18 પર બે એસ્કેલેટર, વિઠ્લવાડી સ્ટેશન અને કલાવામા બે-બે એસ્કેલટેર બેસાડયા છે. માટુંગા રેલવે સ્ટેશન પર દક્ષિણ તરફના ફૂટઓવર બ્રિજ પાસે 20 યાત્રીઓની ક્ષમતાવાળી 55 લાખના રૂપિયાના ખર્ચે લિફટ બેસાડવામાં આવી છે. કુર્લામાં 3 અને મુલુંડમાં પણ 1 લિફટ બેસાડવામાં આવી છે.