ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોના બંધમાં આજે મહાવિકાસ આઘાડી સરકારે ‘મહારાષ્ટ્ર બંધ’ની જાહેરાત કરી છે, એમાં હવે વેપારીઓ પણ સામેલ થવાના છે. વેપારીઓની સંસ્થા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશને અગાઉ આ બંધમાં નહીં જોડાવવાની જાહેરાત કરી હતી. જોકે કલાકો બાદ જ તેમણે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો હતો. સાંજના 4 વાગ્યા સુધી તેઓ દુકાનો બંધ રાખીને મહારાષ્ટ્ર બંધને સમર્થન આપશે એવી જાહેરાત કરી હતી, ત્યારે વેપારીઓ કોના દબાણ હેઠળ ઝૂકી ગયા એ ચર્ચાએ જોર પકડ્યું છે.
આજે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા બંધની સવારથી મુંબઈ સહિત રાજ્યમાં અનેક ઠેકાણે અસર જોવા મળી હતી. મોટા ભાગના વિસ્તારોમાં અત્યાવશ્યક દુકાનોને બાદ કરતાં બાકી તમામ દુકાનો બંધ જોવા મળી હતી. અગાઉ રવિવારે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશને સત્તાવાર રીતે સ્ટેટમેન્ટ બહાર પાડીને તેઓ મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા બંધમાં જોડાશે નહીં એવી જાહેરાત કરી હતી તેમ જ દુકાનો ખુલ્લી રાખનારા વેપારીઓને હેરાન ન કરવામાં આવે એવી વિનંતી પણ તેમણે કરી હતી.
રવિવારે ઍસોસિયેશને સત્તાવાર રીતે સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું હતું કે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતો પ્રત્યે તેમને સહાનુભૂતિ છે, પંરતુ બંધને તેઓ સમર્થન આપશે નહી. કારણ કે 18 મહિના સુધી કોરોનાને કારણે રહેલા લૉકડાઉનમાં દુકાનો બંધ રહી હતી. હવે તહેવારોનો સમય છે. લોકોએ ખરીદી ચાલુ કરી છે ત્યારે બંધ રાખવાથી વેપારીઓને નુકસાન થશે.
મોડી સાંજે જોકે ઍસોસિયેશને નવો સર્ક્યુલર બહાર પાડીને તેઓ બંધમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. આ બાબતે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહના કહેવા મુજબ શિવસેના અને અન્ય પૉલિટિકલ પાર્ટીઓના આગ્રહને કારણે તેઓએ બંધમાં સહભાગી થવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તહેવારની મોસમ હોવાથી આખો દિવસ દુકાન બંધ રાખવાને બદલે વેપારી સાંજના ચાર વાગ્યા સુધી જ દુકાનો બંધ રાખશે એવી તેમની વિનંતીને માન્ય રાખવામાં આવી હતી.
ઍસોસિયેશને કલાકોમાં જ બંધમાં જોડાવવાને લગતા પોતાના નિર્ણયને બદલી નાખતાં સત્તાધારી પાર્ટીના આગ્રહને લીધે નહીં, પણ દબાણ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વેપારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું.
વેપારીઓની સંસ્થા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશન સાંજના 4 વાગ્યા સુધી તેઓ દુકાનો બંધ રાખીને મહારાષ્ટ્ર બંધને સમર્થન આપશે…#MaharashtraBandh #faderationofretailtraderswelfareassociation #shopclose #lakhimpurviolance pic.twitter.com/4bPWTFjgxD
— news continuous (@NewsContinuous) October 11, 2021