News Continuous Bureau | Mumbai
Mumbai drug bust મુંબઈ: રાજસ્થાનના ત્રણ શખ્સોને મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસે વસઈમાંથી ₹8 કરોડની કિંમતના હેરોઈન સાથે ગુરુવારે ઝડપી પાડ્યા છે. આરોપીઓ સ્વીફ્ટ કારમાં વસઈ પૂર્વમાં પેડલરોને માલ વેચવા માટે આવ્યા હતા.
પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સબ-ઈન્સ્પેક્ટર સુહાસ કાંબલેને બાતમી મળી હતી કે કેટલાક લોકો વસઈ પૂર્વમાં ડ્રગ્સ વેચવા આવવાના છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પોલીસ ઈન્સ્પેક્ટર શાહુરજ રણવરે અને તેમની ટીમે વસઈ પૂર્વમાં શ્રીપાલ-1 ટાવર પાસે છટકું ગોઠવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : SpiceJet emergency: મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટનું ઇમરર્જન્સી લેંડીંગ, વિમાનનું પૈડું ટેકઓફ દરમિયાન નીકળી ગયું હતું
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એક સ્વીફ્ટ કાર આવીને શ્રીપાલ-1 ટાવર સામે ઊભી રહી હતી. પોલીસે વાહનને રોકીને અંદર બેઠેલા લોકોના નામ અને સરનામા પૂછ્યા હતા. જેમાં તેઓ સમુન્દર સિંહ રૂપસિંહ દેવડા (49), યુવરાજ સિંહ ભવાનીસિંહ રાઠોડ (28), અને તખત સિંહ કરનસિંહ રાજપૂત (38) હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે સાક્ષીઓની હાજરીમાં તેમની બેગની તલાશી લેતા તેમાંથી 2.11 કિલો હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત ગેરકાયદેસર બજારમાં લગભગ ₹8 કરોડ હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ ત્રણેય સામે વાલીવ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટન્સ એક્ટ, 1985 ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.