News Continuous Bureau | Mumbai
પ્રદૂષણના વધતા પ્રકોપને અંકુશમાં લેવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યના પેટ્રોલ પંપ પર ઇંધણ મેળવવા માટે ‘પીયુસી (Pollution Under Control) પ્રમાણપત્ર’ ફરજિયાત રહેશે. “નો પીયુસી, નો ફ્યુઅલ” ની નીતિ હેઠળ, જો તમારી પાસે માન્ય PUC પ્રમાણપત્ર નહીં હોય, તો તમને એક ટીપું પણ પેટ્રોલ કે ડીઝલ મળશે નહીં.
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પરિવહન કમિશનરની ઓફિસમાં યોજાયેલી બેઠકમાં આ અંગેના મહત્વના નિર્દેશો આપ્યા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દરેક પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા દ્વારા વાહનનો નંબર સ્કેન કરવામાં આવશે. જો PUC પ્રમાણપત્ર અમાન્ય હશે, તો ઇંધણ આપવાનો ઇનકાર કરવામાં આવશે. જોકે, વાહનચાલકોને તાત્કાલિક કોઈ મુશ્કેલી ન પડે તે માટે, એ જ પંપ પર PUC કાઢવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Navy Nagar: નેવીનગરમાં INSAS રાઈફલ અને ૪૦ કારતૂસની ચોરી કરનાર બે આરોપીઓ તેલંગાણાથી ઝડપાયા
મંત્રી સરનાઈકે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં વાહન વેચાણ શોરૂમ અને ગેરેજમાં પણ PUC કાઢવાની સુવિધા શરૂ કરાશે. યુનિક આઈડી સાથે મળતા પ્રમાણપત્રથી વાહનની માન્યતાની સમયાંતરે ચકાસણી સરળ બનશે. આ સાથે, અમાન્ય પીયુસી પ્રમાણપત્રો બનાવતી ટોળકીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ બેઠકમાં પરિવહન વિભાગની કચેરીઓમાં સુરક્ષા વ્યવસ્થા, આગની પૂર્વ-સૂચના આપતી સિસ્ટમ અને પરિવહન ભવનના નિર્માણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. પરંતુ વાહનચાલકો માટે સૌથી મોટો સમાચાર એ છે કે, હવે ઇંધણ જોઈતું હોય તો માન્ય PUC પ્રમાણપત્ર દર્શાવવું અનિવાર્ય બનશે.