News Continuous Bureau | Mumbai
LS Polls : ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આચાર સંહિતા અમલી છે, ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ પડે ત્યારથી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ ન થઈ જાય ત્યાં સુધી લાયસન્સ ધારક હથિયારો પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા જમા લેવામાં આવે છે. જેમાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી હેઠળ સુરત જિલ્લામાં તા.૨ એપ્રિલ સુધીમાં ૨૯૦૭ હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જમા કરવામાં આવ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તથા સમગ્ર કમિશ્રનરેટ વિસ્તાર માટે પો.કમિશનર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જે અન્વયે શહેર-જિલ્લાના ૩૨૩૭ પરવાના ધારકો પૈકી ૨૯૦૭ હથિયારો જમા લેવામાં આવ્યા છે. આમ, સુરત શહેરમાં હથિયાર જમા લેવાની ૯૨ ટકા અને ગ્રામ્યમાં ૮૫ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. જ્યારે શેષ કામગીરી પ્રગતિમાં છે.
૨૬ પરવાના ધરાવનારને મુક્તિ આપવામાં આવી
શહેરમાં કાયદેસર હથિયાર ધરાવતા ૨૮૧૪ લાઈસન્સધારકો સુરત સિટી પોલીસ મથકોમાં નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૪૨૩ પરવાનેદાર રૂરલ પોલીસ મથકે નોંધાયેલા છે. જે અંતર્ગત સુરત જિલ્લા તથા શહેરમાંથી બંદૂક સહિત ૨૯૦૭ હથિયારો પોલીસે જમા લીધા છે. જેમાં સુરત ગ્રામ્યમાંથી ૪૨૩ હથિયાર પરવાના ધારકો માંથી ૩૩૬ જમા થઈ ગયા છે. બે હથિયાર રદ્દ કર્યા તથા ૩ હથિયાર કબજે લીધા છે. ૨૬ પરવાના ધરાવનારને મુક્તિ આપવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં કુલ ૨૮૧૪ પરવાના ધારકો પાસેથી ૨૫૭૧ હથિયાર જમા કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૮ને મુક્તિ આપવામાં આવી છે. તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં શરૂ છે. શહેરમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ ૪૬૬ હથિયારો જમા થયા છે, જયારે સૌથી ઓછા સચિન જી.આઈ.ડી.સી. પો.સ્ટે.માં સૌથી ઓછા ૭ હથિયારો જમા થયા છે.
આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધીએ વાયનાડમાંથી નોમિનેશન ફાઇલ કર્યું, પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં આટલા ટકાનો વધારો.. જાણો વિગતે..
નોંધનીય છે કે, ચૂંટણી પંચના નિયમ પ્રમાણે પરવાનો ધરાવતા તમામ હથિયારો પરવાનેદારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હોય છે. ચૂંટણી પ્રક્રિયા સુધી આ હથિયારો જે તે પોલીસ સ્ટેશનના લોકરમાં રહે છે અને પરિણામ બાદ જે તે લાયસન્સ ધારકોને તેમના ગન સહિતના આત્મરક્ષાના હથિયારો પરત આપી દેવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.