ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
ટેલિવિઝન જગતને આંચકો આપનારા અભિષેક મકવાણા ની આત્મહત્યા મામલે હજી પોલીસની તપાસ એક મહિના પછી પણ કોઈ એક નિષ્કર્ષ કે દિશા મેળવી શકી નથી. ૨૭મી નવેમ્બર ના રોજ અભિષેક મકવાણા એ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઓનલાઇન ફ્રોડ ને કારણે તેણે આત્મહત્યા કરી છે.
આ સંદર્ભે ચારકોપ પોલીસ સ્ટેશન માં અભિષેકના પરિવાર ના સભ્યોએ લેખિતમાં રજૂઆત પણ કરી હતી. આ કેસને આશરે એક મહિનો વીતી ગયો છે પરંતુ આ આત્મહત્યા માટે કોણ જવાબદાર છે તેનું કારણ પોલીસ જાણી શકી નથી.
આટલા લાંબા સમય સુધી શા માટે એફઆઈઆર દાખલ નથી થઈ તે જાણવા માટે અભિષેકના ભાઈ જેનિસ મકવાણા એ સોમવારે ચારકોપ પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી તેમજ તપાસ અધિકારી ને આ સંદર્ભે એક પત્ર સોંપ્યો હતો. તેમની સાથે લોન કન્ઝ્યુમર એસોસિયેશનના પદાધિકારીઓ અને એક વકીલ પણ મોજૂદ હતા. જેનીસ મકવાણાએ જણાવ્યું હતું કે પોલીસે વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ કરવી જોઈએ તેમજ જવાબદાર કંપનીઓ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. આ સંદર્ભે તેમણે નવેસરથી રજૂઆત કરતાં આશરે ૨૦ જેટલી ઓનલાઇન લોન આપનાર એપ્લિકેશન તેમજ હોટલની સૂચિ પણ પોલીસને સોંપી છે. તેમની સાથે મોજુદ એડવોકેટ દિપક મોરે એ પોલીસ સામે કાયદેસરની રજૂઆત કરી હતી.
બીજી તરફ ચારકોપ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિદેશક વિઠ્ઠલ શિંદે એ જણાવ્યું હતું કે પોલીસ ફરિયાદ કોઈ વ્યક્તિ સામે દાખલ થઈ શકે, એવી વ્યક્તિ સામે કે જે કૃત્ય માટે જવાબદાર હોય. આ કેસમાં અમે અનેક કંપનીઓને પત્ર લખ્યા છે તેમ જ પોલીસ વિભાગે બેંકને પત્ર લખીને એકાઉન્ટ માં આવેલા પૈસા તેમજ થયેલા ટ્રાન્ઝેક્શન સંદર્ભે માહિતી માંગી છે. હજી સુધી તે માહિતી પોલીસ સુધી પહોંચી નથી. આ કારણથી અમે આ મામલામાં એફઆઈઆર દાખલ કરી નથી. આવનાર દિવસોમાં જ્યારે અમારી પાસે કોઈ નક્કર માહિતી તેમ જ પુરાવા આવી જશે ત્યારે અમે એફ આય આર દાખલ કરશું.
આમ આત્મહત્યાના એક મહિના પછી પણ એફઆઈઆર દાખલ થઇ નથી. તેમજ પોલીસ પાસે અત્યાર સુધી એવી કોઇ નક્કર માહિતી ઉપલબ્ધ થઈ નથી જેને કારણે એવું સાબિત થઈ શકે કે અભિષેક મકવાણા એ લોન ના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી.
