ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
પુરીમાં આવેલાં જગન્નાથ મંદિરની અનોખી મહિમા છે. લગભગ 26 વર્ષ પછી આગામી 27 નવેમ્બરે જગન્નાથ મંદિરમાં નાગાર્જુન વેશા ઉત્સવ થશે. જેમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવનો યોદ્ધા જેવો શ્રૃંગાર કરવામાં આવે છે. જગન્નાથ પુરી સનાતન પરંપરાના ચાર ધામમાંથી એક છે.
જે સમયે આસો માસમાં અધિકમાસ આવતો હોય અથવા કારતક મહિનામાં 6 દિવસનું પંચક હોય છે, ત્યારે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પહેલાં 1994માં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દાયકાનો આ પહેલો નાગાર્જુન વેશા ઉત્સવ છે. પરંતુ, આ વર્ષે કોરોનાના કારણે ઓરિસ્સાના આ સૌથી દુર્લભ ઉત્સવનો ભક્તો લાભ લઈ શકશે નહીં. કોરોનાને જોતાં મંદિર સમિતિએ પોતાના કર્મચારીઓ માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. ઉત્સવ પહેલાં બધા કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ થશે.
ભગવાનનો આ શ્રૃંગાર બે યુગો સાથે જોડાયેલો છે. સતયુગના પરશુરામ અને દ્વાપર યુગના અર્જુન સાથે. માન્યતા છે કે, કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો હતો. કારતક મહિનામાં જ અર્જુનનું તેના જ પુત્ર નાગાર્જુન સાથે યુદ્ધ થયું હતું. આ જ ઘટનાઓના સંદર્ભમાં ભગવાન જગન્નાથનો નાગાર્જુન શ્રૃંગાર કરવામાં આવે છે.