News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: કુદરતમાં પારાવાર વિવિધતા ભરી પડી છે. વૈવિધ્યમાં સૌન્દર્ય, એશ્વર્ય અને વિસ્મયનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ભજન અને ગઝલ બન્નેમાં એકસરખું પ્રભુત્વ ધરાવનાર મનુભાઈ ત્રિવેદી ( Manubhai Trivedi ) (સરોદ-ગાફિલ)એ લખ્યુંઃ
જુદી જિંદગી છે મિજાજે મિજાજે…
જુદી બંદગી છે નમાજે નમાજે…
છે એક સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે…
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી
મૃત્યુ ય જ઼દાં જનાજે જનાજે…
ચહેરો છુપાવીને મહોરું પહેરવાની આદત ભીતરથી કોરી ખાય છે. મિતા ગોર મેવાડાની વેદના કેટલી વેધક છેઃ
આંખ કોરી રાખું ને પહેરું હું મહોરું સ્મિતનું, દર્દને સંતાડવાની ભૂલ હું કરતી રહું.
જૂઠી સુંદરતા ધરીને આવે મારી સામે તો, આઈનો દેખાડવાની ભૂલ હું કરતી રહું…
રોહિત શાહે ( Rohit Shah ) પોતીકા અંદાજમાં આ વાત કહી છેઃ
અરીસા વેચવા છે? ખરીદશે કોણ?, મહોરાં વેચો તો અહીં ખરીદશે સૌ!
ટેકનોલોજી ( Technology ) માનવીય સંવેદનાનું સ્થાન ક્યારેય નહીં લઈ શકે. ડો. કિશોર ભાયાણીને ( Dr. Kishor Bhayani ) સાંભળોઃ
કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહીં કહે. કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહીં કહે
ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે, પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહીં કહે
કેટલા લોકો શ્વાસ લે છે એ ગૂગલ કહેશે, કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહીં કહે!
આ પણ વાંચો : Gujarati Sahitya: કવિતા – કલમ અને કાગળની ખુમારી
નીંભર, નપેતરા ને નફ્ફટ લોકો બોલકા અને વાચાળ થઈ ગયા છે અને બુદ્ધિમાન-શાણા લોકોએ અક્ષમ્ય ચૂપકીદી સેવી છેઃ સંજુ વાળાની વ્યથાનો વલોપાત જુઓઃ
નાચ કે નગ્નતા પર નહીં કોઈ બોલે!
કહી દીધું છે બધે સર! નહીં કોઈ બોલે!
મૃત્યુ-મર્ડર વિશે નક્કી કરજો નિરાંતે,
લાશ લઈ જાવ અંદર, નહીં કોઈ બોલે!
ચોતરફ છો ઊડે ચીંથરાં આદર્શોના,
ફેલવાં દો બધે ડર, નહીં કોઈ બોલે!
છેલ્લે, ડો. મનોજ જોશીએ ( Dr. Manoj Joshi) વર્ણવેલી વરવી વાસ્તવિકતા વાંચોઃ
રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે, હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.

Ashwin Mehta