
Bhagavat: યયાતિએ ( Yayati ) પોતાના પુત્ર પુરુની યુવાની લઇને, હજારો વર્ષ સુધી વિષયસુખ ભોગવ્યું છતાં તૃપ્તિ ન થઈ. અંતે તેને વૈરાગ્ય થયો અને તેણે જગતને બોધ આપ્યો,
ન જાતુ કામ: કામાનામુપભોગેન શામ્યતિ ।
હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે ।।
વિષયો ભોગવવાથી કામવાસના કદાપિ શાંત થતી નથી. પરંતુ અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી તે જેમ વધારે ઉગ્ર
બને છે, તેવી રીતે ભોગ ભોગવવાથી ભોગવાસના અધિકાધિક વધે છે.
મનુષ્ય ઘરડો થાય પણ તૃષ્ણા ઘરડી થતી નથી જીર્યતો યા ન જીર્યતે ।
ભર્તુહરિએ પણ કહ્યું છે, ભોગો ભોગવાતા નથી પણ ઊલટા આપણે ભોગવાઈ જઈએ છીએ, તૃષ્ણા જીર્ણ થતી નથી
પણ આપણે જીર્ણ થઈ જઇએ છીએ.
ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: । તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા ।।
ભાગવત ( Bhagwat ) એ ગીતાજીનું ( Gita ) ભાષ્ય છે. સિદ્ધાંતો ગીતાજીમાં આપ્યા તેના દ્દષ્ટાંતો, ભાગવતમાં આપ્યાં છે.
કામ મહાશનો મહાપાપ્મા અગ્નિ જેમ ભોગોથી કદી તૃપ્ત ન થનારો મોટો પાપી છે, તેને વેરી જાણવો.
તેમ છતાં કામને વેરીને બદલે જે લોકો મિત્ર બનાવે છે તેની સ્થિતિ યયાતિ રાજા જેવી થાય છે.
કામ ક્રોધને મિત્ર ન બનાવો. તેને વેરી બનાવો અને વેરી જેમ ત્યજો. ગીતાજીમાં કહ્યું છે.
ન મે ભક્ત: પ્રણશ્યતિ।
તેના ઉદાહરણો પ્રહલાદ ( Prahlad ) , અંબરીષ વગેરેનાં ભાગવતમાં આપ્યા છે.
રાજન! રતિદેવનું ચરિત્ર પણ અદ્ભુત છે. પોતાને જે મળતું તે તે બીજાને આપતા. રતિદેવના જીવનનું ધ્યેય હતું, હું ભલે
દુ:ખી થાઉં, દુ:ખ ભોગવું પણ બીજા સુખી થાય.
એક દિવસ પોતાના પ્રાણના સંકટે પણ તેણે પોતાની પાસેનું સર્વ અન્ન, પાણી વગેરે બીજાને આપી દીધું અને કહ્યું:-
ન કામયેડહં ગતિમીશ્ર્વરાત્પરામષ્ટર્દ્ધિયુક્તામપુનર્ભવંવા ।
આર્તિં પ્રપધેડખિલદેહભાજામન્ત:સ્થિતો યેન ભવન્ત્યદુ:ખા: ।।
હું ઈશ્વર પાસેથી આઠ સિદ્ધિઓવાળી ઉત્તમ ગતિ ઈચ્છતો નથી અને બીજું શું? હું મોક્ષની પણ ઈચ્છા રાખતો નથી. હું
તો ફકત એટલું જ ઇચ્છું છું કે, હું સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિર થઈ જાઉં અને તેઓનાં સર્વ દુઃખો હું જ સહન કરું, કે જેથી અન્ય
કોઇ પણ પ્રાણીને દુ:ખ ન થાય.
બીજા દુઃખી પ્રાણીઓ દુ:ખથી મુક્ત થાય અને તેઓનાં દુ:ખ હું ભોગવું. બસ એ જ મારી ઈચ્છા.
યદોર્વંશં નર: શ્રુત્વા સર્વપાપૈ: પ્રમુચ્યતે ।।
યત્રાવતીર્ણો ભગવાન પરમાત્મા નરાકૃતિ: ।
સમાપ્તિમાં યદુરાજના વંશનું વર્ણન કર્યું, યદુરાજાનો વંશ દિવ્ય છે. તે વંશમાં શ્રી કૃષ્ણચંદ્ર ( Krishna Chandra ) પ્રગટ થશે. રાજન! સાવધાન થઇ જાઓ. આ વંશની કથા જે સાંભળશે તેના વંશનો નાશ થશે નહિ. આ હરિવંશની કથા છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૯
વસુદેવ દેવકીને ત્યાં છ બાળકો થયાં રોહિણિથી સાતમા બાળક બલરામ થયા. આઠમા મારા ઇષ્ટદેવ સાક્ષાત્ શ્રીકૃષ્ણ પ્રગટ
થયા. પરમાત્મા પૃથ્વી ઉપર આવે છે ત્યારે પરમાત્માને બહુ પરિશ્રમ થાય છે પણ ધર્મની સ્થાપના કરવા અને અધર્મનો નાશ
કરવા ભગવાન અવતાર લે છે.
યદા યદેહ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ર્ચ પાપ્મન: । તદા તુ ભગવાનીશ આત્માનં સૃજતે હરિ: ।।
ભગવાન શ્રી કૃષ્ણ ( Sri Krishna ) ચૌદ વર્ષ મથુરામાં બિરાજ્યા, તે પછી દ્વારકાનાથ થયા. પૃથ્વી પર અધર્મનો ભાર હળવો કરવા
કૌરવો-પાંડવોનું યુદ્ધ કરાવ્યું. નવમ સ્કંધની સમાપ્તિમાં સંક્ષેપમાં કૃષ્ણ કથા કહી સંભળાવી.
ઈતિ નવમ: સ્કંધ: સમાપ્ત:
હરે રામ હરે રામ રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।
દીનાનાથ તું એક આધાર મારો
અહો દેવના દેવ હે વિશ્ર્વસ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી,
દયાળુ પ્રભુ આપદાથી ઉગારો,દીનાનાથ તું એક આધાર મારો.
પ્રભુ આપ છો સર્વને પાળનારા, તમે છો સદા સંકટો ટાળનારા,
કીધાં છે કરોડો તમે ઉપકારો, દીનાનાથ તું એક આધાર મારો.
હું છું રાંકનો રાંક અજ્ઞાન પ્રાણી, ન મારી કશી વાત તુંથી અજાણી,
કરો હે દયાળુ ક્ષમા વાંક મારો, દીનાનાથ તું એક આધાર મારો.
અમે બાળકો બોલીએ હાથ જોડી,અમારી મતિ હે પ્રભુ છેક થોડી,
દયા લાવીને પ્રાર્થના દિલ ધારો દીનાનાથ તું એક આધાર મારો.
અમે ને કુંટુંબીજનો જે અમારાં,રહીએ શરીરે સુખી સર્વ સારાં,
સદા આપજો આપ સારા વિચારો,દીનાનાથ તું એક આધાર મારો.
નથી મેં કરી આપની કાંઈ ભક્તિ,નથી આપના ગુણ ગાવાનીશક્તિ,
દયા લાવીને નાથ દુ:ખો નિવારો,દીનાનાથ તું એક આધાર મારો.