Bhagavat: દેવોએ દેવકીને ( Devaki ) આશ્ર્વાસન આપ્યું. નવ માસ પરિપૂર્ણ થયા છે. મન, બુદ્ધિ, પાંચપ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે. અને આ સર્વની શુદ્ધિ થાય છે ત્યારે પરમાત્માનાં દર્શન કરવા આતુરતા થાય છે. ધીરે ધીરે આતુરતા વધે છે અને જીવને ઈશ્વર વિના
જરા પણ ચેન પડતું નથી, તેથી જીવ તરફડે છે, અને આતુર બને છે ત્યારે પ્રભુનો અવતાર થાય છે.
ત્યાર પછી જ્યારે પરમ શોભાયમાન અને સર્વગુણ સંપન્ન સમય થયો, ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો, દિશાઓ સ્વચ્છ
થઈ ગઇ, આકાશ નિર્મળ થયું. નદીના પાણી નિર્મળ થયાં. વનરાઈઓમાં પક્ષીઓ અને ભમરાઓ કિલ્લોલ કરવા લાગ્યાં. શીતળ,
સુગંધિત તથા પવિત્ર વાયુ વાવા લાગ્યો. મહાત્મા પુરુષોનાં મન પ્રસન્ન થયા. સ્વર્ગમાં દુંદુંભિઓ વાગવા માંડી. મુનિઓ અને
દેવતાઓ આનંદમાં આવી જઈને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ત્યારે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. શ્રાવણમાસ, કૃષ્ણપક્ષની ( Krishnapaksha ) અષ્ટમીએ ( Ashtami ) મધ્યરાત્રિએ દેવકી વાસુદેવ ( Vasudev ) સમક્ષ કમળનયન અદ્ભુત બાળકરૂપે ચર્તુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. ભગવાને શ્રીહસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, આયુધો ધારણ કર્યાં છે. ચારે બાજુ પ્રકાશ પડયો છે. મારાં ચરણનો આશ્રય કરશે તેના ચારે પુરુષાર્થો હું સિદ્ધ કરી આપીશ, એ બતાવવા માટે ચતુર્ભુજ સ્વરૂપ છે. જે ભકતો અનન્ય પણે મારું આરાધન કરે છે તેના ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થો, હું સિદ્ધ કરી આપું છું. પરમાત્મા વિશેષમાં બોધ આપે છે કે મારા ભકતોનું હું ચારે કોરથી રક્ષણ કરું છું.
સંતતિ, સંપત્તિનો નાશ થયો તો પણ, અતિ દીન બની વસુદેવ-દેવકી ઈશ્વરનું આરાધન કરે છે. પ્રભુએ કહ્યું, મારા
સ્વરૂપનાં દર્શન કરો અને પછી અગિયાર વર્ષ ધ્યાન કરો. તે પછી હું તમારી પાસે આવીશ. ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું અને બે
હાથવાળા બાળ કનૈયાલાલ પ્રગટ થયા.
બાળ કનૈયાલાલકી જય.
પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ થાય તો પણ ધ્યાન કરવાની જરૂર છે.
જ્ઞાનદીપ પ્રગટ થયા પછી પણ, ઇન્દ્રિયરૂપી એકાદ દરવાજો ઉઘાડો રહી જાય તો તેમાંથી વિષયરૂપી પવન દાખલ થાય
છે, અને જ્ઞાનદીપ બુઝાય છે. જ્ઞાનમાર્ગમાં ઘણાં વિઘ્નો આવે છે. ભક્તિમાર્ગ સહેલો છે. દરેક ઈન્દ્રિયને ભક્તિરસમાં તરબોળ કરી
દો પછી વિષયરૂપી પવન તેને અસર કરી શકશે નહિ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૭
અગિયાર ઇન્દ્રિયો જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય, ત્યારે સાક્ષાત્કાર થાય છે તેથી ગીતાજીમાં ( Bhagavad gita ) પણ અગિયારમાં અધ્યાયમાં અર્જુનને વિશ્વરૂપનાં દર્શન થાય છે.
પ્રભુએ કહ્યું, મને ગોકુળ લઇ જાવ. વસુદેવે ટોપલીમાં બાલકૃષ્ણને ( Bal Krishna ) મૂક્યા છે. પણ જવું કેમ? કારાગૃહના સર્વ દરવાજા
બંધ છે. બંધન તૂટતાં નથી. પરંતુ જયાં માથે બાલકૃષ્ણને મૂકયા એટલે સર્વ બંધન તૂટી ગયાં છે. મસ્તકમાં બુદ્ધિ છે. બુદ્ધિમાં
ઈશ્વરનો અનુભવ થાય ત્યારે સંસારનું બંધન તૂટે છે. ભગવાનને માથે રાખે, તેના મોક્ષના દરવાજા ખુલ્લા થાય, તો આ કારાગૃહના
દરવાજા ખુલ્લા થાય તેમાં શું આશ્ર્ચર્ય? કારાગૃહના દરવાજા ખુલ્લા થઈ જાય છે. હાથપગની બેડીઓ તૂટી જાય છે. નદીનાં પૂર
નડતાં નથી. જેને માથે ભગવાન હોય, તેના માર્ગમાં વિઘ્ન આવે, તો પણ વિઘ્ન રહે નહિ.
બુદ્ધિમાં પરમાત્મા આવે ત્યારે બંધન તૂટે છે. કેવળ ઘરમાં પરમાત્મા આવે તો બેડી તૂટતી નથી.
જે શ્રીકૃષ્ણને ( Shri Krishna ) બુદ્ધિમાં પધરાવે છે-વસુદેવ, જેમ શ્રીકૃષ્ણને મસ્તક ઉપર રાખે છે તેમ-તો તેનાં સર્વ બંધન તૂટી જાય છે.
કારાગૃહના દરવાજાનાં તાળાં તૂટી જાય છે. સંસારનાં મોહરૂપી દરવાજાનાં તાળાં તૂટી જાય છે. બાકી તો આખો સંસાર કારાગૃહમાં
સૂતો છે.
ભગવાન માથે બિરાજે એટલે સંસારના સર્વ બંધન તૂટી જાય છે. વસુદેવની બેડીઓ તૂટી ગઈ તેમ.
વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે. દાઉજી દોડતા આવ્યા છે. શેષનાગરૂપે બાલકૃષ્ણ ઉપર છત્ર ધર્યું છે.
યમુનાજીને અતિશય આનંદ થયો. દર્શનથી તૃપ્તિ થઈ નહિ મારા પ્રાણનાથને મળવું છે. યમુનામાં જળ વધ્યાં છે. પ્રભુએ લીલા
કરી. ટોપલામાંથી પગ બહાર કાઢ્યો છે. યમુનાજીએ ચરણસ્પર્શ કરી, કમળની ભેટ અર્પણ કરી. પ્રથમ દર્શન અને પ્રથમ મિલનનો
આનંદ યમુનાજીને આપ્યો છે. ધીરે ધીરે જળ ઓછું થયું. વસુદેવ ગોકુળમાં આવ્યાં છે. યોગમાયાના આવરણથી ગોકુળમાં સર્વ
સૂતાં છે. વસુદેવે શ્રીકૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા, અને યોગમાયાને લઈને પાછા ફર્યા છે. વસુદેવ વિચારે છે હજુ મારું પ્રારબ્ધ
બાકી છે. તેથી પરમાત્માને આપી, હું માયાને લઇ જાઉં છું. વસુદેવજી યોગમાયાને ટોપલામાં રાખી, કારાગૃહમાં આવ્યા.
બ્રહ્મસંબંધ થયા પછી બેડીઓ તૂટી ગયેલી, પણ માયાના સંબંધથી બંધન આવ્યું છે. વસુદેવ ગોકુળથી માયાને માથે
લઈને આવ્યા એટલે બંધન આવ્યું અને કારાગૃહના દરવાજા બંધ થયા. માયા બંધન કરે છે.