
જગતમાં કોઈ મૂર્ખ નથી. બધા ઈશ્વરના અંશ છે. જે બીજાને મૂર્ખ માને એ પોતે જ મૂર્ખ છે.
આપણે ત્યાં પશુની પણ પૂજા થાય છે. કૂતરો ભૈરવનાથનું વાહન છે. કૂતરો તિરસ્કરણીય નથી. ગધેડો પણ શીતળા
માતાનું વાહન છે.
ઇશ્વર ચૈતન્યરૂપે સર્વમાં છે, તેવો અનુભવ કરવાની આદત પાડો. એવી આદત જેને પડે તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય
અને જ્ઞાનમય બનશે.
નૃસિંહ ભગવાન ( Nrisimha Bhagwan ) પ્રગટ થયા,ત્યારે ગુરુ શબ્દ બોલ્યા. ઇશ્વર સર્વત્ર છે તે વાત સાચી, પરંતુ ગુરુ આંખ ન આપે, ત્યાં
સુધી તેનાં દર્શન થતાં નથી. ભગવાન સ્વતંત્ર છે. કેમ કે એ જિતેન્દ્રિય છે. મનુષ્યને સ્વાતંત્ર્ય સ્વેચ્છાચારી બનાવે છે. સ્વતંત્ર
થશો નહિ.
બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહિ. કોઈ સંતને ગુરુ માની આધીન રહેજો. કોઈપણ સંતનું સ્મરણ કે જે, તમને પાપ કરતાં
અટકાવે તેને આધીન રહેજો. ગુરુ કર્યા વગર રહેશો નહિ. પણ ગુરુ કરતાં પહેલાં વિચાર કરજો કે, જેને ગુરુ બનાવવા માગું છું તે
લાયક છે કે નહિ. પાની પીના છાનકે, ગુરુ કરના જાનકે. જગતના કોઈ પણ મહાપુરુષમાં, શ્રદ્ધા ન થતી હોય તો પ્રાચીન મહાત્માને
ગુરુ માની તેને આધીન રહેજો. મહાપુરુષો અમર છે. વલ્લભાચાર્ય અમર છે. શંકરાચાર્ય અમર છે. ગુરુ માની એની સેવા કરો.
એમને આધીન રહેજો. ગુરુ કર્યા વગર કલ્યાણ થતું નથી. કોઈ સંતની ચરણનો આશ્રય લેશો તો સદ્ગુરુ કૃપા કરશે. અને સદ્ગુરુ
કૃપા કરશે તો અંદરની વાસના જશે. શરીરમાં રહેલા વિકારો જશે. પણ મનબુદ્ધિમાં રહેલી વાસના જતી નથી. મનબુદ્ધિમાંની
વાસના સંતસેવા વગર જતી નથી. મન ઉપર સત્સંગ સેવાનો અંકુશ રાખો. બુદ્ધિને કોઈ સંતને આધીન રાખજો. ગુરુ કૃપા વગર
સર્વમાં પરમેશ્વર દેખાતા નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૨
જગતમાં અનેક સંતો છે. પણ આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના ઉપર નથી. પણ કોઈને ગુરુ બનાવો તો,
આપણું કલ્યાણ કરવાની તેમને ઇચ્છા લાગણી થાય.
જલદી કોઈના ગુરુ થવું સારું નથી. ગુરુ થવાથી ચેલાના પાપની જવાબદારી ગુરુ ઉપર આવે છે. ચેલાના પાપનો
ઈન્સાફ કરતી વખતે, તેના ગુરુને બોલાવવામાં આવે છે. તેને પૂછવામાં આવે છે. ચેલાનું પાપ કેમ છોડાવ્યું નહિ. તેને સન્માર્ગે
કેમ વાળ્યો નહિ. ચેલાની સાથે ગુરુને પણ સજા થાય છે. મંત્ર, ગુરુ માળા અને મૂર્તિ બદલવાં નહિ. પોતાની માળા કોઇને આપવી
નહિ.
નૃસિંહસ્વામીનું પ્રાગટય સ્તંભમાંથી થયું, વિચાર કરો, તે સ્તંભમાં કેવી રીતે હશે? થાંભલો પોલો તો નથી. તો ઠાકોરજી
અંદર કેવી રીતે બેઠા હશે? પરમાત્મા સૂક્ષ્મરૂપે થાંભલામાં હતા. પરંતુ પ્રહલાદની ભક્તિથી સૂક્ષ્મમાંથી, તે સ્થૂળ થયા, થાંભલામાં
પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ હતું. પ્રહલાદનો પ્રેમ એવો કે સૂક્ષ્મ સ્વરૂપ સ્થૂલ બનીને બહાર આવ્યું. શિવજી ઉમાને સમજાવે છે.
અગુન અરૂપ અલખ અજ જોઈ । ભગત પ્રેમબસ સગુન સો હોઈ । વળી જયારે બધા દેવો પ્રભુ કયાં મળે તે વિચાર કરતા હતા ત્યારે,
શંકર ભગવાન કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના । પ્રેમ તે પ્રગટ હોર્હિ મૈં જાના । અતિશય પ્રેમ વગર પ્રભુ પોતાનું સ્વરૂપ બતાવતા
નથી. પ્રભુ સાથે પ્રેમ કરવો પડશે. સગુન નિર્ગુન નહિં કછુ ભેદા
પ્રહલાદજીનો ( Prahlad ) પ્રેમ એવો હતો કે નિરાકારમાંથી ભગવાન આકારવાળા બન્યા. બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી તે બુદ્ધિ
ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી. પરમાત્મા પ્રેમને લીધે આકાર ધારણ કરે છે. પરમાત્મા સગુણ નિર્ગુણ બન્ને છે. નિર્ગુણ અને
સગુણ તત્ત્વ દ્દષ્ટિથી એક જ છે. નિર્ગુણ જ સગુણ બને છે. સ્થુળ છે, તે સૂક્ષ્મ પણ છે. તે કોમળ છે અને કઠણ પણ છે.
ઈશ્વરમાં આ બધા ધર્મો માયાથી ભાસે છે, એમ વેદાંતીઓ માને છે. વૈષ્ણવ આચાર્યો માને છે કે વિરુદ્ધ ધર્માશ્રય
પરમાત્મા છે. જે નૃસિંહસ્વામી હિરણ્યકશિપુ માટે કઠોર હતા, તે જ પ્રહલાદ ગોદમાં આવ્યા ત્યાંરે કોમળ થઈ ગયા.
જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદ્દ્દષ્ટિ રાખે છે. દૃશ્ય પદાર્થમાંથી દ્દષ્ટિને હઠાવી દ્રષ્ટામાં દ્દષ્ટિને સ્થિર કરો. દૃશ્યમાંથી
દ્દષ્ટિને હઠાવો અને સર્વને જોનારા, સર્વને સાક્ષી, પરમાત્માના સ્વરૂપમાં દ્દષ્ટિ સ્થિર કરો.