
એક મહાત્મા હતા. તેને જે જે દેખાય તે ઇશ્વરનું સ્વરૂપ દેખાય. તેમની પાસે એક ગૃહસ્થ આવ્યો, તેણે કહ્યું, મારે
ઈશ્વરનાં દર્શન કરવાં છે. મહાત્માએ ( Mahatma ) કહ્યું, તમે પણ ઈશ્વર છો. એમ માનો. ગૃહસ્થ કહે છે, હું ખાત્રીથી કહું છું કે હું ઈશ્વર નથી.
મહાત્મા કહે છે:-તમારે ઈશ્વરના દર્શન કરવાં છે? તમે ઇશ્વર નથી તો તમારા સિવાયનું જે દેખાય તે ઇશ્વર છે તેમ માનો.
જગતમાં જે કંઈ દેખાય તેમાં ઇશ્વરનાં દર્શન કરો. તેમ માની વ્યવહાર કરો, ગૃહસ્થે તેમ કર્યું. તેથી તેનું પાપ અટકી ગયું. મારા
વિના બધું ઈશ્વર છે, એવી નિષ્ઠા રાખવાથી તેનું પાપ અટકી ગયું. તેનો વ્યવહાર શુદ્ધ થયો. ફરીથી તે ગૃહસ્થ મહાત્મા પાસે
આવ્યો. મહાત્માને કહ્યું, સર્વમાં ઈશ્વર છે, તેવો અનુભવ કરવાથી શાંતિ મળે છે. પણ મને કોઈ વાર એવી શંકા થાય છે કે, આ
દેખાય છે તે સર્વ ઈશ્વર નથી. મહાત્મા તેને સમજાવે છે. તને લાગે છે કે જે દેખાય છે, તે સર્વ ઇશ્વર નથી. તારે ઈશ્વરનાં દર્શન
કરવાં હોય તો હવે જે દેખાય છે તે ઇશ્વર નથી એમ માની સર્વનો મોહ છોડી દે. જે દેખાય છે તેની સાથે પ્રેમ કરીશ નહિ. દૃશ્ય વસ્તુએ ઇશ્વર નથી. તું દ્રષ્ટા સાથે પ્રેમ કર, સંસારનાં દૃશ્ય પદાર્થ સાથે પ્રેમ કરીશ નહિ, પણ દૃશ્યના જે દ્રષ્ટા છે તેની સાથે પ્રેમ કર.
હવે જે નથી દેખાતું એ ઇશ્વર છે. હવે ઇશ્વર દ્રષ્ટા છે એમ માન, ઈશ્વર દ્રષ્ટા છે. તે દૃશ્ય નથી, વેદાંત કહે છે, ઈશ્વર સર્વનો દ્રષ્ટા
છે. તે દૃશ્ય નથી. ઇશ્વરમાં દૃશ્યત્વનો આરોપ માયાથી થાય છે. સર્વમાં દ્રષ્ટામાં જે દ્દષ્ટિ સ્થિર કરે તેને ભગવાન મળે છે
મહાત્માએ બે માર્ગ બતાવ્યા, (૧) જે બધું દેખાય છે તે ઇશ્વર છે. (૨) જે ન દેખાય તે ઈશ્વર છે. ઈશ્વર દ્રષ્ટા છે, જે સર્વનો દ્રષ્ટા
છે, જે સર્વનો સાક્ષી છે તેને કોણ સહેલાઇથી જાણી શકે? જેને પૂર્ણ વૈરાગ્ય ન હોય, તેને જ્ઞાનનો અનુભવ થતો નથી, માટે
આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. આ બધું દેખાય છે તે સર્વ ઇશ્વરમય છે.
વૈષ્ણવો ( Vaishnavas ) માને છે કે સર્વ પદાર્થમાં ઈશ્વર છે એવું સમજી વ્યવહાર કરીએ તો ભક્તિમાર્ગમાં સફળતા મળશે. ઈશ્વરના કોઇ
સ્વરૂપમાં જયાં સુધી મનુષ્ય આસકત થશે નહિ, ત્યાં સુધી ભક્તિ થશે નહિ. શંકર ભગવાન સમાધિમાં બેઠા હતા. સમાધિ
એટલે શું? પોતે જ પોતાના સ્વરૂપને જોવું-પારખવું તે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૩
કોઈ પણ માર્ગ નક્કી કરો. પ્રત્યેક દૃશ્ય વિનાશી છે, એમ માની તેનો મોહ છોડી, દ્રષ્ટા સાથે પ્રેમ કરો. તો વેદાંતના
કહ્યા મુજબ આત્મસાક્ષાત્કાર થશે. દ્રષ્ટામાં દ્દષ્ટિ સ્થિર થાય અથવા પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર છે, એવું જ્ઞાન થાય.
પ્રહલાદ સ્તુતિ કરે છે:-મોટા મોટા સિદ્ધ મહાત્માઓ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, તેમ છતાં તેઓને પરમાત્માનો
સાક્ષાત્કાર થતો નથી. આજે આપે મારા ઉપર કૃપા કરી છે. હે નાથ. રાક્ષસકુળમાં જન્મેલા મારા જેવાને આપનાં દર્શન થયા. મને
લાગે છે, તમને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરુર નથી, કે બહુ પૈસા કમાવાની જરૂર નથી. જો પૈસાથી પરમેશ્વર મળતા
હોય, તો આ પૈસાદાર લોકો, લાખ બે લાખ રૂપિયા આપી, પરમાત્માને ખરીદી લે. બહુ ભણવાથી, બહુ જ્ઞાનથી ભગવાન મળતા
નથી. જેનામાં બહુ જ્ઞાન હોય છે, તેને બીજાને છેતરતાં કે કપટ કરતાં જરાય બીક લાગતી નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ
સંપત્તિની, બહુ ભણતરની કે ઉચ્ચકુળમાં જન્મવાની જરૂર નથી. કેવળ બ્રાહ્મણોને પરમેશ્વર મળે તેવું નથી. પરમાત્માને પ્રસન્ન
કરવા માટે હ્રદયના શુદ્ધ પ્રેમની જરૂર છે. ખૂબ કમાઓ અને ભગવત સેવામાં વાપરો તે ઉત્તમ છે, પણ એક આસને બેસી,
પરમાત્માનું ધ્યાન કરો તે અતિ ઉત્તમ છે.
બહુ સંપત્તિથી પરમાત્મા મળતા નથી. કેટલીક વાર પૈસો ભગવતસેવામાં, ભગવદ્ભજનમાં વિઘ્ન કરે છે.
બહુ જ્ઞાની થાય તે તર્ક-કુતર્કમાં પડે છે. તે પછી ભગવાનની સેવા-સ્મરણ બરાબર કરી શકતો નથી. જે બહુ જ્ઞાની થાય
છે, તે આરંભમાં કુતર્કો કરે છે. આરંભમાં શ્રદ્ધા રાખી સેવા સ્મરણ કર્યા વગર, ચાલતું નથી.
બહુ ભણેલા કુતર્કો કરે છે. કહે છે પહેલાં ચમત્કાર બતાવો, તે પછી તમારા ઠાકોરજીને નમસ્કાર કરું.