રેવાનગરના ૧૧ પરિવારોના ઘરોમાં પાણી ભરાતા ૪૮ વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૦ વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા
News Continuous Bureau | Mumbai
Gujarat : હાલમાં વરસાદ (Rain) ની પરિસ્થિતિ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમ (Ukai Dam) માં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી (waterlogged) નો ભરાવો થતા આજ રોજ મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શશીકલાબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશ વાણિયાવાળા અને સ્થાનિક મ્યુ. સદસ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ રાંદેર ઝોન વિસ્તારના હનુમાન ટેકરી, રેવા નગર, અડાજણ ખાતે અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના ધાસ્તીપુરા સ્થિત ફલડગેટ ની સ્થળ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં ઉકાઇ ડેમમાંથી ગઇકાલે ર.૮૯ લાખ કયુસેક પાણી તાપી નદી માં છોડવામાં આવતા રેવાનગર ખાતે ભરાયેલા પાણીની સમસ્યા અંતર્ગત સ્થાનિકોની પરિસ્થિતી અંગે જાતમાહિતી મેળવી હતી.
ઉકાઇ ડેમમાંથી ગઇકાલથી તાપી નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે તાપી નદી (Tapi river) બંને કાંઠે વહેતી થઇ છે, જેથી સાવચેતીના ભાગરૂપે શહેરમાં પાણી ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારના કુલ પ ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તાપી નદી કિનારેથી નીચાણવાળા વિસ્તારોના સ્થાનિક રહીશોને સલામતીપૂર્વક સ્થળાંતર કરાવાયુ છે. જે પૈકી રેવાનગરમાં રહેતા ૧૧ પરિવારોના ઘરોમાં પાણી ભરાતા ૪૮ વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૦ વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે.
આ સમાચાર પણ વાંચો : Vadodara: બરકાલમાં વ્યાસબેટ પર ફસાઈ 12 જિંદગી, મંદિરના છત પર ભૂખ્યા-તરસ્યા રાત વિતાવી, રેસક્યૂ છતાં રાહતના શ્વાસ લીધો.
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી તથા ફલડ ગેટનું મનપા તંત્ર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મનપાની ટીમ મારફત નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ફુડપેકેટ, પીવાના પાણી (Drinking water) અને આરોગ્ય સુવિધા સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે તાપી નદી કિનારાના વિસ્તારોમાં અવર-જવર ટાળવા તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.