PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું

PM Narendra Modi:પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબનો શિલાન્યાસ કર્યો

by Akash Rajbhar
Prime Minister Shri Narendra Modi laid the foundation stone and inaugurated development works worth over Rs. 2 lakh crore in Visakhapatnam, Andhra Pradesh.

News Continuous Bureau | Mumbai

  • આંધ્રપ્રદેશ માટે આ મોટો દિવસ છે, કારણ કે અમે નોંધપાત્ર ગ્રીન એનર્જી પહેલો અને મહત્વપૂર્ણ માળખાગત વિકાસ યોજનાઓનો શુભારંભ કર્યો છેઃ પ્રધાનમંત્રી
  • આંધ્રપ્રદેશનો વિકાસ અમારું વિઝન છે, આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવી એ અમારી કટિબદ્ધતા છે: પ્રધાનમંત્રી
  • આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી
  • અમારી સરકાર શહેરીકરણને એક તક તરીકે જુએ છેઃ પ્રધાનમંત્રી
  • અમે સમુદ્ર સાથે સંબંધિત તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે બ્લૂ ઇકોનોમીને પ્રોત્સાહન આપી રહ્યા છીએઃ પ્રધાનમંત્રી

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસકાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું હતું. ભગવાન સિંહચલામ વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, 60 વર્ષ પછી લોકોનાં આશીર્વાદ સાથે દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્ર સરકાર ચૂંટાઈ આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની રચના પછી સત્તાવાર રીતે આંધ્રપ્રદેશમાં આ તેમનો પ્રથમ કાર્યક્રમ હતો. શ્રી મોદીએ આ કાર્યક્રમ અગાઉ રોડ શો દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે તેમનાં ભાષણ દરમિયાન શ્રી ચંદ્રાબાબુ નાયડુનાં દરેક શબ્દ અને લાગણીની ભાવનાનું સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશ અને ભારતની જનતાનાં સાથસહકાર સાથે શ્રી નાયડુનાં સંબોધનમાં ઉલ્લેખિત તમામ લક્ષ્યાંકો હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ કહ્યું હતું કે, “આપણું આંધ્રપ્રદેશ શક્યતાઓ અને તકોનું રાજ્ય છે.” તેમણે નોંધ્યું હતું કે, જ્યારે આ શક્યતાઓ સાકાર થશે, ત્યારે આંધ્રપ્રદેશનો વિકાસ થશે અને ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશનો વિકાસ એ અમારું વિઝન છે અને આંધ્રપ્રદેશનાં લોકોની સેવા કરવી એ અમારી કટિબદ્ધતા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશે વર્ષ 2047 સુધીમાં 2.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, આ વિઝનને સાકાર કરવા શ્રી ચંદ્રાબાબુ નાયડુની સરકારે ‘સ્વર્ણ આંધ્ર@2047’ પહેલ શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દરેક લક્ષ્યાંક હાંસલ કરવા આંધ્રપ્રદેશ સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર લાખો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સમાં આંધ્રપ્રદેશને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે અને તેમણે આંધ્રપ્રદેશનાં લોકોને અને સમગ્ર દેશનાં લોકોને આ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન આપ્યાં છે.

આ સમાચાર પણ વાંચો :Ukraine Russia War: યુક્રેનના ઝાપોરિઝિયામાં રશિયાએ મિસાઇલ છોડી, આટલા લોકોના મોત; જુઓ વિડીયો..

આંધ્રપ્રદેશ તેની નવીન પ્રકૃતિને કારણે આઇટી અને ટેકનોલોજીનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હવે આંધ્રપ્રદેશ માટે ભવિષ્યની ટેકનોલોજીઓનું કેન્દ્ર બનવાનો સમય આવી ગયો છે.” તેમણે ગ્રીન હાઇડ્રોજન જેવી ઉભરતી ટેકનોલોજીમાં અગ્રણી બનવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી, જેનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં બે ગ્રીન હાઇડ્રોજન હબ સ્થાપિત કરવામાં આવશે, જેમાંથી એક વિશાખાપટ્ટનમમાં હશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમ વૈશ્વિક સ્તરે એવા કેટલાક શહેરોમાં સામેલ થશે, જ્યાં મોટા પાયે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમણે પ્રકાશ પાડ્યો કે આ ગ્રીન હાઇડ્રોજન હબ આંધ્રપ્રદેશમાં રોજગારની અસંખ્ય તકો ઉભી કરશે અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસિત કરશે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તેમને નક્કાપલ્લીમાં બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ માટે શિલારોપણ કરવાની તક મળી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ દેશનાં એ ત્રણ રાજ્યોમાંનું એક છે, જ્યાં આ પ્રકારનાં પાર્કની સ્થાપના થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પાર્ક ઉત્પાદન અને સંશોધન માટે ઉત્કૃષ્ટ માળખાગત સુવિધા પ્રદાન કરશે, જેથી સ્થાનિક ફાર્મા કંપનીઓને લાભ થશે, ત્યારે રોકાણકારોનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકાર શહેરીકરણને એક તક તરીકે જુએ છે અને તેનો ઉદ્દેશ આંધ્રપ્રદેશને નવા યુગના શહેરીકરણનું ઉદાહરણ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિઝનને સાકાર કરવા માટે આજે ક્રિષ્નાપટ્ટનમ ઔદ્યોગિક વિસ્તાર કે જે ક્રિસ સિટી તરીકે પણ ઓળખાય છે, તેના માટે શિલારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, આ સ્માર્ટ સિટી ચેન્નાઈ-બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોરનો ભાગ બનશે, જે હજારો કરોડનાં રોકાણને આકર્ષશે અને આંધ્રપ્રદેશમાં લાખો ઔદ્યોગિક રોજગારીનું સર્જન કરશે.

આ સમાચાર પણ વાંચો :Divya Kala Mela: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનું મૂર્ત સ્વરૂપ એવો 23મો દિવ્ય કલા મેળો – 9 થી 19 જાન્યુઆરી 2024 દરમિયાન વડોદરા ખાતે યોજાશે

શ્રી સિટીને ઉત્પાદનનાં કેન્દ્ર સ્વરૂપે આંધ્રપ્રદેશને અગાઉથી જ લાભ મળી રહ્યો છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્રમાં આંધ્રપ્રદેશને દેશનાં ટોચનાં રાજ્યોમાં સ્થાન મળે એ માટેનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજના જેવી પહેલો મારફતે ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે, જેના પરિણામે વિવિધ ઉત્પાદનોનાં ઉત્પાદન માટે ભારતની ગણના વિશ્વના ટોચના દેશોમાં થાય છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દક્ષિણ તટીય રેલવે ઝોનનાં મુખ્યમથકો માટે નવા શહેર વિશાખાપટ્ટનમમાં શિલારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે આંધ્રપ્રદેશ માટે આ વિકાસનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેણે લાંબા સમયથી અલગ રેલવે ઝોનની માગ પૂર્ણ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાઉથ કોસ્ટ રેલવે ઝોનનાં મુખ્યાલયની સ્થાપનાથી આ વિસ્તારમાં કૃષિ અને વેપારી પ્રવૃત્તિઓનું વિસ્તરણ થશે તથા પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે નવી તકો ઉપલબ્ધ થશે. તેમણે હજારો કરોડનાં મૂલ્યનાં કનેક્ટિવિટી પ્રોજેક્ટનાં ઉદઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ પણ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 100 ટકા રેલવેનું વિદ્યુતીકરણ ધરાવતાં રાજ્યોમાં આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 70થી વધારે રેલવે સ્ટેશનો વિકસાવવામાં આવ્યાં છે. તેમણે આંધ્રપ્રદેશના લોકો માટે મુસાફરીની સરળતા માટે સાત વંદે ભારત ટ્રેનો અને અમૃત ભારત ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને સુવિધાઓ સાથેની માળખાગત ક્રાંતિ રાજ્યનાં પરિદ્રશ્યમાં પરિવર્તન લાવશે.” તેમણે નોંધ્યું હતું કે, આ વિકાસથી જીવનની સરળતા અને વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં વધારો થશે, જે આંધ્રપ્રદેશના 2.5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો પાયો બનશે.

વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશનો દરિયાકિનારો સદીઓથી ભારતના વેપાર માટે પ્રવેશદ્વાર છે અને તે નોંધપાત્ર મહત્વ ધરાવે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ દરિયાઈ તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા યુદ્ધના ધોરણે વાદળી અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે મત્સ્યપાલન સાથે સંકળાયેલા લોકોની આવક અને વ્યવસાયમાં વધારો કરવા વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓની જોગવાઈ અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :Kandivali Mobile Bathroom:ઉત્તર મુંબઈના કાંદિવલીમાં ભારતના સૌ પ્રથમ મહિલા મોબાઇલ બાથરૂમની સુવિધા શરૂ, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા એ કર્યું ઉદ્ઘાટન

શ્રી મોદીએ દરેક ક્ષેત્રમાં સર્વસમાવેશક અને સંપૂર્ણ વિકાસ માટે સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જેથી વિકાસનો લાભ સમાજનાં તમામ વર્ગો સુધી પહોંચે એ સુનિશ્ચિત થાય. તેમણે સમૃદ્ધ અને આધુનિક આંધ્રપ્રદેશના નિર્માણ માટે કેન્દ્ર સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ સંબોધનનું સમાપન કરતાં આંધ્રપ્રદેશના લોકોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આજે ઉદઘાટન થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટ બદલ સૌને અભિનંદન આપ્યાં હતાં.

આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી એસ. અબ્દુલ નઝીર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજારાપુ રામમોહન નાયડુ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠ ભૂમિ

હરિત ઊર્જા અને ટકાઉ ભવિષ્ય માટે પોતાની પ્રતિબદ્ધતા તરફ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે અત્યાધુનિક એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું, જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ છે. આ પ્રોજેક્ટમાં આશરે ₹1,85,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમાં 20 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાઓમાં રોકાણનો સમાવેશ થાય છે, જે તેને ભારતની સૌથી મોટી સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાઓમાંની એક બનાવે છે, જે 1500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન મિથેનોલ, ગ્રીન યુરિયા અને સસ્ટેઇનેબલ એવિએશન ઇંધણ સહિત 7500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, જે મુખ્યત્વે નિકાસ બજારને લક્ષ્યાંક બનાવે છે. આ પ્રોજેક્ટ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટની ભારતની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં નોંધપાત્ર પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં રૂ. 19,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું, શિલાન્યાસ કર્યો હતો અને ઉદઘાટન પણ કર્યું હતું, જેમાં વિશાખાપટ્ટનમમાં સાઉથ કોસ્ટ રેલવે હેડક્વાર્ટર્સનો શિલાન્યાસ સામેલ છે. આ વિવિધ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, કનેક્ટિવિટીમાં સુધારો થશે તથા પ્રાદેશિક સામાજિક અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.

સુલભ અને વાજબી હેલ્થકેરનાં પોતાનાં વિઝનને આગળ વધારીને પ્રધાનમંત્રીએ અનકાપલ્લીમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. બલ્ક ડ્રગ પાર્ક વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોર (વીસીઆઈસી) અને વિશાખાપટ્ટનમ-કાકીનાડા પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની નિકટતાને કારણે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે હજારો રોજગારીનું સર્જન કરશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લામાં ચેન્નાઈ બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોર અંતર્ગત ક્રિષ્નાપટ્ટનમ ઔદ્યોગિક વિસ્તાર (કેઆરઆઈએસ સિટી)નો શિલાન્યાસ પણ કર્યો હતો. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ ક્રિષ્નાપટ્ટનમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા (ક્રિસ સિટી)ની કલ્પના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹10,500 કરોડના નોંધપાત્ર ઉત્પાદન રોકાણોને આકર્ષવા માટે તૈયાર છે અને આશરે 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે તેવી ધારણા છે, જે આજીવિકામાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રાદેશિક પ્રગતિને વેગ આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More