News Continuous Bureau | Mumbai
એક તરફ સરકારી નોકરીમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવાના બણગા સરકાર ફૂંકતી હોય છે, ત્યારે તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં ક્લેરીકલ સ્ટાફમાં કરેલી ભરતીમા 70 ટકા સ્ટાફ બિન ગુજરાતી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આ પગલા સામે ગુજરાતમાં સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચી ગયો છે. બેંક કર્મચારી યુનિયનના નેતાઓ દ્વારા ગુજરાત સરકાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે.
નિયમ મુજબ જે રાજ્યમાં ભરતી થવાની હોય તે રાજ્યની ભાષા ફરજિયાત આવડવી જોઈએ. છતાં ગુજરાતમાં ભરતી કરવામાં આવેલા મોટાભાગના કર્મચારીને ગુજરાતી આવડતું નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આ નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : યુ-ટર્ન એક્સપર્ટ સંજય રાઉતનું નિવેદન : દેશમાં નરેન્દ્ર મોદીની બરોબરી કરે એવો કોઈ કદાવર નેતા નથી
ગુજરાત કલેરીકલ સ્ટાફની ભરતીમાં 660 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા. આ કર્મચારી અમદાવાદ, વડોદરા અને ભાવનગર ઝોનમાં સરખા વહેંચી દેવામાં આવ્યા હતા. વડોદરા ઝોનમાં પસંદગી પામેલા 220 કર્મચારીમાંથી ફક્ત 33 ઉમેદવાર ગુજરાતી છે, બાકીના 187 રાજસ્થાન, તેલંગણા, ઉત્તરાખંડ, બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના છે.