ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગમાં પ્રોત્સાહન આપવા માટે ઍવૉર્ડ આપવાની જાહેરાત રાજ્યના ઇન્ફોર્મેશન ઍન્ડ ટેક્નોલૉજીના પ્રધાન સતેજ પાટીલે કરી છે. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાતને પગલે મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉન્ગ્રેસ વચ્ચેની આઘાડી આગામી દિવસમાં વધુ મજબૂત થવાની દિશામાં હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના પ્રધાન સતેજ પાટીલે કહ્યું હતું કે આઇટી સેક્ટરમાં લોકોને પ્રોત્સાહન આપવા આ ઍવૉર્ડ આપવામાં આવવાનો છે. રાજીવ ગાંધીએ દેશમાં ટેક્નોલૉજી ક્ષેત્રમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. એથી તેમના સ્મરણમાં આ 20 ઑગસ્ટના આ ઍવૉર્ડ અપાશે.
અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ દેશના સૌથી ઉચ્ચ ગણાતા રાજીવ ગાંધી ખેલ–રત્ન ઍવૉર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ–રત્ન કરી નાખ્યું છે. નામ બદલવાને લઈને કેન્દ્ર સરકાર પર વિરોધ પક્ષ તૂટી પડ્યો છે. શિવસેનાએ પણ કેન્દ્રના આ પગલાની ભારે ટીકા કરી હતી. હવે મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામે ઍવૉર્ડ આપવાની જાહેરાત કરી છે. એથી મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉન્ગ્રેસનું જોડાણ લાંબું ચાલે એવું ચર્ચાઈ રહ્યું છે.