News Continuous Bureau | Mumbai
Ambaji Padyatra : અંબાજી ખાતે દર વર્ષે ભાવ ભક્તિપૂર્ણ રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગત જનની માં આંબાના દર્શન કરવા આવે છે. આ વર્ષે મહામેળામાં કુલ ત્રણ રૂટ પર અંદાજીત ૩૪ લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીને માં અંબાના દર્શન કર્યા હતા. GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ ત્રણ રૂટ પર તા. ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત ૭૩ ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતાની ( cleanliness campaign ) આ કામગીરી અંતર્ગત તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં અંદાજિત ૭૦૦ ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.
આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસર વિવિધ ઉદ્યોગ એસોશીએશનના સહયોગથી ત્રણ પદયાત્રાના રૂટ પર ત્રણ સ્થળોએ પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે એક સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને ( Plastic Free Gujarat ) સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે અંતર્ગત કુલ ૭૪,૮૦૦ પ્લાસ્ટીકની ( Plastic Waste ) ખાલી બોટલની જગ્યાએ ૫,૦૦૦ સ્ટીલની બોટલો આપવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા-જાગૃતિ લાવવાના હેતુથી ૫૦ થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરતના આ નિવૃત્ત વહીવટી અધિકારીએ ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ સ્પર્ધામાં મેળવ્યા ત્રણ મેડલ.
ઉલેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા “અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા-૨૦૨૪નું આયોજન ગુજરાત ડાઇસ્ટફ મેન્યુફેક્ચર્સ એસોશીએશન તથા નેપ્રા ફાઉન્ડેશન સાથે સંકલનમાં રહીને કરવામાં આવ્યું હતું. ૧૨૦ જેટલા સ્વચ્છતા સેનાનીઓ સાથેની આ સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું પ્રસ્થાન ગત તા. ૧૨ સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના હસ્તે GPCB-ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.